ચાંદખેડા : માથાભારે ચાર શખ્સોએ સરેઆમ ગરીબને રહેંશી નાખ્યો..

શાકભાજીના લારી બાબતે ખેલાયો ખૂની ખેલ

અમદાવાદ શહેરમાં ગુંડાઓ બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં મોટેરા ખાતે કેટલાંક બદમાશોએ શાકભાજીની લારી ચલાવનાર ગરીબ વ્યકિતને સરેઆમ ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. લારી ઉભી રાખવાના બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ ખૂની ખેલ ખેલ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ચારેય અપરાધીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં ધરમનગર પોસ્ટ ઓફીસની સામે નાથાજી ભગાજીના ઝુંપડામાં રહેતા ભરત પટણી મોટેરા ખાતે કપિલરાજ બજીયા હાઉસની આગળ લોટસ હોસ્પિટલની નીચે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભરત પટણીની લારીની બાજુમાં વિઠ્ઠલ પટણી પણ શાકભાજીની લારી ધરાવતા હતા. થોડાક દિવસ અગાઉ લારી ઉભી રાખવાની બાબતે ભરત ભાઇને વિઠ્ઠલ પટણી સાથે બબાલ થઇ હતી.

ફરિયાદ મુજબ ગત રોજ સાંજે ભરતભાઇ લારી લઇને ઉભા હતા. તે દરમ્યાન બાજુમાં લારી ધરાવતા વિઠ્ઠલભાઇ તથા તેમનો દિકરો બલ્લુ તેમજ તેમના ભાઇઓ સુરેશભાઇ તેમજ લાલભાઇ આવ્યા હતા. અને ભરતભાઇની લારી ઉંધી પાડી ઝઘડો કર્યો હતો. બાદમાં ચારેય બબાલ કરી જતા રહ્યા હતા. જો કે ભરત પટણીએ પોતાના સાથે બનેલી ઘટના અંગે પરિવારની ચિંતા હોવાથી પોલીસ ફરિયાદ કરી નહીં.

ત્યારબાદ રાતે ફરી ભરતભાઇ બીજી લારીની વ્યવસ્થા કરી અને ત્યાં પોતાના પરિવારના સભ્ય સાથે શાકભાજી વેચતા હતા. તે દરમિયાન વિઠ્ઠલભાઇ, બલ્લુ, સુરેશભાઇ, લાલભાઇ ફરી આવી ભરતભાઇ સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ત્રણ વ્યક્તિએ ભરતભાઈને પકડી રાખ્યા અને બલ્લુ પોતાની પાસે લાવેલા છરા વડે ભરતભાઇ પર તૂટી પડ્યો હતો. ઉપરાછાપરી ઘા મારી ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી