હું સીએમ..મારા પાંચ વર્ષ પાક્કા…! એમ…? ઠોકો તાલી..

પંજાબ કોંગ્રેસમાં ભાંગડા નહીં પણ પતિયાલા તાંડવ..

સિધ્ધુ કોંગ્રેસને કપિલ શર્મા કોમેડી શો માને છે..?

ગુજરાતમાં શાંતિથી પત્યુ, પંજાબમાં કેમ એવુ ના થયું..?

સિધ્ધુ સામે દેશદ્રોહનો આરોપ,..અપનોને હી લગાયા..

પંજાબમાં ભાજપ-શિરોમણી ફરી એક થાય તો..!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના રાજકારણમાં એક પછી એક જે રાજકિય ઘટનાઓ બની રહી છે તેના પરથી તમામ રાજકિય પક્ષોના નેતાઓ (એકને બાદ કરતાં) અને મુખ્યમંત્રીઓએ સમજી લીધુ હશે કે એક વાર મુખ્યમંત્રી બન્યા એટલે પાંચ વર્ષ સુધી તેમને કોઇ બદલી નહીં શકે એવી માન્યતામાં રહેવુ નહીં…એવા ભ્રમમાં રહેવુ નહીં…! પાંચ મહિનામાં 8 મુખ્યમંત્રીઓ બદલાઇ ગયા છે. નવરાત્રિના નવ દિવસની જેમ નવે નવ દિવસ સુધી જેમના ખૂબ વખાણ કરવામાં આવ્યાં તે મુખ્યમંત્રીને પણ સામે ચાલીને રાજભવન જઇને આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ કહેવુ પડ્યું- આચાર્યજી, આ મારૂ રાજીનામુ…!

પાંચ નદીઓ પરથી જેને પંજાબ (પંજ આબ-પંચ એટલે પાંચ અને આબ એટલે પાણી) કહીએ છીએ એ પંજાબમાં પંજાવાળી પાર્ટીમાં આંતરિક કલહ એવો સર્જાયો કે 2017માં કોંગ્રેસને સત્તા અપાવનાર મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘને આખરે રાજભવન જઇને કહેવુ પડ્યું-આ મારૂ રાજીનામુ….! દેશમાં જ્યાં પંજાની સરકાર છે એ રાજ્યોના મુખ્યમંત્રીઓ મનમાં ને મનમાં મૂંઝાતા હશે કે પંજાબમાં કેપ્ટન સાથે થયુ તે તેમની સાથે પણ થશે કે કેમ..!

ગુજરાત કરતાં પંજાબી મુંડે…નો મામલો આખો અલગ છે. 1990માં ક્રિકેટની રમતમાં ઝીરો પર આઉટ થનાર અને ત્યારબદા ભાજપ થઇને કોંગ્રેસમાં આવનાર નવજોત સિધ્ધુ કેપ્ટનની પાછળ આદુ ખાઇને એવા પડ્યા કે આખરે કેપ્ટનને હટાવીને જ રહ્યાં અને પોતે કોંગ્રેસની સરકારના કપ્તાન થવા ખૂબ કૂદાકા માર્યા…પણ આખરે બેની લડાઇમાં ત્રીજો ફાવે તેમ કેપ્ટન અને સિધ્ધુની લડાઇમાં દલિત શીખ ( શીખોમાં પણ દલિત…?!) ચરણજિતસિંઘ ચન્ની ફાવી ગયા…! કેપ્ટન ઔર સિધ્ધુ તાકતે રહ ગયે…જો કે કેપ્ટને રાજીનામુ આપીને સિધ્ધુ સામે આક્રમક બેટીંગ કરી કે સિધ્ધુ દેશદ્રોહી છે,..પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન અને પાકિસ્તાની સૈન્યના વડા બાજવાના મિત્ર છે, તેનો વિશ્વાસ કરી શકાય તેમ નથી અને જો તેની આગેવાનીમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીઓ લડશે તો તેઓ સહન નહીં કરે…!

ચાલો, પૂર્વ મુખ્યમંત્રીએ રાજકિય ધમકી આપી દીધી અને તેઓ પોતાના શબ્દોને વળગીને તેનો કેટલો અને કેવો તથા ક્યારે અમલ કરે છે એ તો સમય બતાવશે પણ કોંગ્રેસ માટે આ સમય કસમય છે..અને ચૂંટણીઓનો સમય છે એવા સમયે સમય વર્તે સાવધાન નહીં થાય તો પંજાનો એવો સમય આવશે કે પછી હાઇકમાન્ડ પાસે સમય જ સમય હશે…!

કેપ્ટન સિંઘે 4, ફેબ્રુઆરી- 2017માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 117માંથી 77 બેઠકો સાથે બહુમતિ મેળવીને ભાજપ-શિરોમણી અકાલી દળ(સેડ-એસ.એ.ડી.)ની મિલીજુલી સરકારને હરાવીને પંજાની સરકાર બનાવી કોંગ્રેસમાં પ્રાણ પૂર્યો હતો…! પરંતુ ફરી ચૂંટણીઓ આવતા આવતા કેપ્ટન સિંઘ સિધ્ધુની આક્રમક બોલિંગમાં ક્લીનબોલ્ડ થઇને સીધા પેવેલિયન ભેગા થઇ ગયા….! શેરો શાયરીના બાદશાહ અને કપિલ શર્માના કોમેડી શોમાં બેઠા બેઠા ઠોકો તાલીના…તકિયાકલામવાળા સિધ્ધુએ કોંગ્રેસ હાઇકમાન્ડના કાનમાં એવી ફૂંક મારી કે તેઓ તેમના લાડકા..દુલારા…બન્યા કે કોંગ્રેસને વર્ષો પછી પંજાબમાં સત્તા અપાવનાર કેપ્ટનને સિધ્ધુ મુખ્યમંત્રીપદેથી આઉટ કરીને જ દડો ખિસ્સામાં મૂક્યો… પણ કોંગ્રેસે સીએમરૂપી બેટ સિધ્ધુના હાથમાં આપ્યુ નથી…ઠોકો તાલી…

આરોપો કેવા થયા એકબીજાની સામે….? .સિધ્ધુએ કહ્યું કે કેપ્ટન કોંગ્રેસના વિરોધી શિરોમણી અકાલી દળની સાથે મળી ગયા છે અને તેમને સત્તા અપાવવા માંગે છે…! તેની સામે કેપ્ટને કહ્યું- સિધ્ધુ “આપ” પાર્ટીના મુખ્યમંત્રી બનવા માંગે છે, કોંગ્રેસનો વફાદાર સિપાહી નથી…! છેવટે પંજા હાઇકમાન્ડે જે રસ્તો અપાવ્યો તે રસ્તો ભાજપ અથવા આપ પાર્ટીને સત્તા સુધી દોરી જાય તો નવાઇ નહીં…!યાદ રહે કે પંજાબમાં 2017માં આપ પાર્ટીને 20 બેઠકો, શિરોમણીને 15, ભાજપને 3 અને કોઇ એલઆઇપી નામની પાર્ટીને 2 બેઠકો મળી હતી એને પંજાબમાં કેજરીવાલની પાર્ટી સત્તાવાર રીતે વિપક્ષના નેતાપદે છે. કેજરીવાલ આ વખતે તો પંજાબમાં ઝાડુ ફેરવીને સત્તા મેળવવાની રાજકિય ગણતરી અને વેતરણમાં છે.

ભાજપને પંજાબમા આ વખતે 3થી વધુ બેઠકો માટે વધુ મહેનત કરવી પડશે કેમ કે શિરોમણીવાળા પ્રકાશસિંઘ બાદલ હવે ભાજપની સાથે નથી. કૃષિ કાયદાના વિરોધમાં એનડીએ સરકારમાંથી નિકળીને ભાજપની સામે છે. ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાનારી ચૂંટણીઓ સુધી ભાજપ અને શિરોમણી ફરી એક થાય તો આપ પાર્ટીને મુશ્કેલી પડી શકે. બની શકે કે કૃષિ કાયદા ત્યાં સુધી પાછા ખેંચાય તો ભાજપ પર ફિર સે “બાદલ” બરસ શકતે હૈ..ઇબ તો બાદલ ભાજપ પર ગરજ રહે હૈ-ક્રિષી કાનૂન વાપિસ લો…હમ તૈયાર હૈ…!

ગુજરાતમાં મુખ્યમંત્રી પરિવર્તન પ્રક્રિયા સરળતાથી થઇ ગયું. પણ પંજાબમાં એટલુ સરળતાથી ના થયું અને છેવટે 34 બેઠકો પર પ્રભુત્વ ધરાવનાર દલિત વોટબેંકને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દલિતને સુખ્યમંત્રી બનાવીને ફરી પંજાબ સર કરવાની ગણતરી રાખી છે. પણ દેખાવથી નમ્ર અને સાલસ લાગતા ચરણજીતસિંઘની સામે અત્યારથી આરોપોનો મારો શરૂ થઇ ગયો છે,.તેઓ ફરી પંજાબ જીતશે કે શું થશે એ તો પંજાબની 4 કરોડ કરતાં ઓછી વસ્તીમાં અંદાજે 2 કરોડ મતદારો નક્કી કરશે પણ પંજાબ પછી હવે ક્યા રાજ્યના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી બનશે…? કહ નહીં સકતે….ઠોકો તાલી…

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી