મુખ્યમંત્રી વિજય રૂપાણી વાલીઓના પણ વાલી છે

CM બાલ સેવા યોજના”નો લાભ મળતા ભાવુક થઈ કહ્યું, “ સરકાર અમારી પડખે”

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વહેલાલ ગામના પરમાર પરિવાર માટે કોરોના કાળમુખો સાબિત થયો. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)માં કામ કરતા વિક્રમભાઈ પરમારના નાના ભાઈ રાજેશભાઈ(ઉં. ૪૭ વર્ષ)નું ૧૦-૦૫-૨૦૨૧ના રોજ કોરોનામાં નિધન થયું. હજુ પરિવારને કળ વળે ત્યાં રાજેશભાઈના પત્નિ મીનાક્ષીબહેન(ઉં. ૩૭ વર્ષ)નો પણ કોરોનોએ ૨૯ મે, ૨૦૨૧એ ભોગ લીધો. રાજેશભાઈ અને તેમના બે ભાઈઓની સહિયારી મિલકત એ ૫ વીઘા જમીન હતી, જેમાંથી આવતી ઉપજમાંથી રાજેશભાઈના પરિવારનું ગુજરાન ચાલતું હતું. પણ રાજેશભાઈ અને મીનાક્ષીબહેનનું અવસાન થતા તેમના બે સંતાનો વિશ્વાંગી( ઉં. ૩ વર્ષ) અને પ્રતિક(ઉં. ૧૬ વર્ષ)ના જીવનયાપનનો પ્રશ્ન વિકટ બન્યો. હવે બંને બાળકોની સઘણી જવાબદારી રાજેશભાઈના મોટાભાઈ વિક્રમભાઈ પર આવી પડી.

આ સંજોગોમાં ગુજરાત સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” નોધારાનો આધાર બની. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” હેઠળ માસિક રુ. ૪,૦૦૦ની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. અને આ યોજનાનો લાભ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા વિશ્વાંગી અને પ્રતિકને પણ મળ્યો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને દર મહિને રુ. ૪,૦૦૦ સહાયરૂપે આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો, જેથી બાળકોનો ઉછેર કરતા પાલક માતા-પિતાને સંતાનોના ઉછેર,ઘડતરમાં આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે.આ યોજના હેઠળ જ વિશ્વાંગી અને પ્રતિકના બેંક એકાઉન્ટમાં મહિને રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર જમા કરાવે છે.

મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંગે પ્રતિભાવ વ્યક્ત કરતા વિશ્વાંગી અને પ્રતિકના મોટાબાપા વિક્રમભાઈ કહે છે : વિજય રૂપાણી એ તો વાલીઓના પણ વાલી છે. અમારા કપરાકાળમાં ગુજરાત સરકાર અમારી પડખે ઉભી રહી તેનો અમને વિશેષ આનંદ છે. બાળકોના ઉછેર અને પાલન-પોષણ અંગે વાતચીત કરતા વિક્રમભાઈ કહે છે કે, વિશ્વાંગી અને પ્રતિકના ઉછેર માટે જે નાણાં રાજ્ય સરકાર તરફથી મળે છે તેનો ઉપયોગ અમે બાળકોના શિક્ષણ માટે કરી શકીશું. ભવિષ્યમાં જ્યારે આ બાળકોને ઉચ્ચ અભ્યાસમાં તે જરુર પડશે ત્યારે અમને આ નાણા ઘણા ઉપયોગી થશે. આમ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અનેક જનહિતલક્ષી નિર્ણયો અનેક પરિવારો નવી આશાનો સંચાર કરે છે. આમ, ગુજરાત સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

મુખ્યમંત્રી બાલ સેવા યોજના

  • ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. ૪,૦૦૦ની સહાય અપાશે
  • પુખ્તવયના બાળક જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. ૬૦૦૦ની સહાય અપાશે
  • માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે અપાશે
  • વિદેશ અભ્યાસની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે
  • માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર કન્યાઓને શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ- નિવાસી શાળાઓમાં પ્રવેશ અગ્રતા-હોસ્ટેલ ખર્ચ
  • માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ- મા કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે

 24 ,  1