ચીં…ચીં..ટ્વીટરની આટલી હિંમત…? ના ચાલે…ના ચાલે..સમજે શું એના મનમાં..!

ટ્વીટરના ભારત સાથેના અડપલાં ભારે પડશે..!

યુએસની આ કંપની કોના ઇશારે ભારતમાં આવા ધંધા કરી રહી છે..?

એક ચકલી.. બાજ જેવી સરકારને પડકારીને ચીં..ચીં.. કરી રહી છે..

ભારતમાં ટ્વીટર નહીં હોય તો કોઇ ફર્ક પડશે નહીં..મૂકો પ્રતિબંધ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હમણાં જ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિની ઉજવણી થઇ. જંગલ બચાવો…વૃક્ષ બચાવો..નદી બચાવો..ની હાકલ થઇ. વૃક્ષ હશે તો પશુપંખી હશે અને સમગ્ર વિશ્વ અને વાતારણ હર્યુભર્યુ લાગે…પંખીના સુમધૂર અવાજોથી વાતારણ કેટલુ સરસ લાગે અને તેમાં પણ દેવ ચકલીની ચીં…ચીં…તો ઓહોહો…તમ-મનને હરી લે..!પણ એક ચકલીની ચીં…ચીં..નો અવાજ સરકારને પડકારે તો…? 21 માર્ચ 2026માં 20 વર્ષ પૂરા કરનાર અમેરિકાની ટ્વીટર કંપનીનું પ્રતિક છે ચકલી. ચકલીના ચીં..ચીં..ના અવાજને ટ્વીટ કહેવામાં આવે છે. ટ્વીટર પર લોકો પોતાના અભિપ્રાયો વિગતો જાણકારી એ રીતે મૂકે છે કે તેમાં કોલાહલ ન થાય…કોઇ કર્કશ અવાજ ના આવે. પણ 21 માર્ચ 2006માં સ્થપાયેલી અને 15મા વર્ષમાં ચાલી રહેલી ટ્વીટર કંપનીએ એવો કર્કશ અવાજ કાઢ્યો કે તેનાથી ભાજપ અને કેન્દ્ર સરકાર ભડકી ગઇ છે.

માઇક્રો બ્લોગિંગ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર સૌથી આગળ ટ્વીટર કંપનીએ તાજેતરમાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કોંગ્રેસની વિરૂધ્ધ મૂકેલી ટૂલકીટની એક ટ્વીટને બોગસ ગણાવી…મેન્યુપ્લેટેડ મિડિયા કેટેગરીમાં મૂકી. સંબિત પાત્રાની ટ્વીટને કેટલાક મંત્રીઓએ રીટ્વીટ કરી એટલે ટ્વીટરે એને પણ . મેન્યુપ્લેટેડ મિડિયા કેટેગરીમાં મૂકી. અને ભાજપની સાથે કેન્દ્ર સરકાર પણ ભડકી છે. ટ્વીટરને સરકારે ચેતવણી પર ચેતવણી આપી છે. ટ્વીટરની ભારત ખાતેની ઓફિસમાં પોલીસ પણ મોકલી. પણ ટ્વીટર હૈ કી માનતા નહીં…ની જેમ ટ્વીટરના પેટનું પાણી પણ હાલ્યુ નથી…!ટ્વીટર તેરા ક્યા હોગા….એમ જો કહીએ તો પ્રથમ રીતે એવી આશંકા હોઇ શકે કે અમેરિકાની આ કંપની અને તેના માલિક જેક ડોર્સે કોઇના ઇશારે ભાજપની સામે કામ કરી રહ્યાં હોય એવુ બની શકે. અને એવુ પહેલીવાર નથી કે ટ્વીટરે ભારતના સૌથી શક્તિશાળી વડાપ્રધાન મોદીની સામે શિંગડા ભરાવ્યાં હોય.

આ અગાઉ, ગયા વર્ષે ચીનના સાથે ભારતના વિવાદમાં ટ્વીટરે લદાખને ચીનનો વિસ્તાર ગણાવીને નકશો બતાવ્યો હતો. કાશ્મિર અંગે પણ એવો જ વિવાદી નકશો દર્શાવ્યો હતો. ટ્વીટરને સરકારે વારંવાર ચેતવણીઓ આપી તે પછી નકશામાં સુધારા કર્યા. અને હવે સંબિત પાત્રાના ખભે બંદૂક મૂકીને ટ્વીટરે કોના ઇશારે સરકાર સામે નિશાન તાક્યું છે તે કાંઇ સરકારથી છુપુ નહીં હોય. પણ જ્યારે જે વાત જાહેર કરવાની હોય ત્યારે જ જાહેર કરવી એવી નીતિના ભાગરૂપે ટ્વીટરના આવા અડપલાંની વાત જાહેર થશે કે ટ્વીટરને ઐસા ક્યોં કિયા…!?

ઉલ્લેખનીય છે કે ,નેટયુગમાં સોશ્યલ મિડિયા એક દમદાર પ્લેટફોર્મ બની ગયું છે. સોશ્યલ મિડિયામાં કેટલાક તો એવા હોય છે કે એક કોઇ પોસ્ટ આવી હોય તો તેની ચકાસણી કર્યા વગર જાણે ચાસણીમાંથી ગરમાગરમ જલેબી ઉતરી હોય તેમ ફોરવર્ડ કર્યા જ કરે…કર્યા જ કરે..! કેટલાક વળી દુકાનદારની જેમ માર્કેટિંગ કરે- માર્કેટ મેં પહેલીવાર આયા હૈ જલ્દી સે આગે ભેજો…અને આવી પોસ્ટો સોશ્યલ મિડિયામાં એ…ય ફોરવર્ડ થયા જ કરે…થયા જ કરે..! જા ભમમભમ..

વધુમાં ,2013…2014માં સોશ્યલ મિડિયાનો ભરપૂર ઉપયોગ થયો અને જ્યારે હવે તેનો દુરૂપયોગ શરૂ થયો ત્યારે તેને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો શરૂ થયા છે. એક રીતે તે આવકારદાયક છે. કેમ કે સોશ્યલ મિડિયાનો ઉપયોગ કોઇ ક્યારેક એન્ટી સોશ્યલ તરીકે અને એન્ટી નેશનલ તરીકે કરે તો લગામ તો નાંખવી જ પડે. પણ ધ્યાન એ રાખવુ પડે કે સૂકા ભેગુ લીલું હળગી ના જાય…!

સોશ્યલ મિડિયામાં ફેસબુક સીધી લાઇનમાં ચાલે છે. યુટ્યુબ સરકારના મતે હજુ સીધી લાઇનમાં નથી. યુટ્યુબ પર ઘણાં સ્વતંત્ર પત્રકારો સરકારની આકરી આલોચના કરી રહ્યાં છે. એમાંના એક વિનોદ દુઆ સામે સરકારે રાજદ્રોહનો કેસ કર્યો હતો. હમણાં જ સુપ્રિમે વિનોદ દુઆની સામેનો કેસ રદ્દ કરવાના આદેશની સાથે પત્રકારોના રક્ષણ પર ભાર મૂક્યો છે. ફેસબુક પર કોઇ વિવાદી પોસ્ટ મૂકે તરત જ ફેસબુક દ્વારા તેના પર પ્રતિબંધ મૂકાય છે. પણ ટ્વીટરની ચકલી બાજ જેવી સરકારની સામે ચીં…ચીં… કરે તો તે લાંબો સમય નહીં ચાલી શકે. સરકારે શું કરવુ જોઇએ…?ટ્વીટર ન માને તો સરકારે ભારતમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. નાઇજિરીયામાં ટ્વીટરે ત્યાંના રાષ્ટ્રપતિની એક ટ્વીટને ડિલીટ કરી નાંખી અને ત્યાંની સરકારે પોતાના દેશમાંથી ટ્વીટરને જ ડિલીટ કરી નાંખી…! હવે એ દેશમાં ટ્વીટરનું સ્થાન કૂઉ લેશે. જે ટ્વીટરની ચકલીની સામે નવી કંપની છે. સરકારે ટ્વીટરને ચેતવણીઓ આપવાને બદલે એક ઘા અને બે કટકાની જેમ ભારતમાં ટ્વીટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. એક ટ્વીટર નહીં હોય તો ભારતને કોઇ ફેર પડવાનો નથી. આપણે એમ માનીશુ કે એક થા ટાઇગર….ની જેમ એક થા ટ્વીટર…!! ટ્વીટ…ટ્વીટ નહીં રમીએ તો નહીં ચાલે…?

અત્રે નોંધનીય છે કે ,સંબિત પાત્રા પાસે ભાજપ અને સરકારની વાત કહેવા માટે ટીવી ચેનલોની ક્યાં ખોટ છે..? તમામ ચેનલોમાં સંબિત પાત્રા હાજર હોય છે અને તમામ પ્રશ્નોના જવાબો ખૂબ ઠાવકાઇથી આપીને ભાજપનો અને સરકારનો પક્ષ મૂકીને વિરોધીઓને જવાબ આપે જ છે. એક ટ્વીટર પર પોસ્ટ નહીં હોય તો તેલ લેવા જાય ટ્વીટર..! અને હાં તેલથી યાદ આવ્યું ગુજરાતમાં સિંગતેલના ભાવ સાથે હવે લોકોને ક્યા લેના..ક્યાં દેના…કેમ કે વપરાશ માટે બીજા તેલ પણ ઉપલબ્ધ છે. સિંગતેલના ભાવ જે હોય તે પણ અમેરિકાના સાન ફ્રાન્સિસકો શહેરમાં આવેલી ટ્વીટર કંપનીનો 4 જૂનના રોજ ન્યૂયોર્કના શેરબજારમાં કંપની શેરનો ભાવ 59 ડોલર હતો. અને માર્કેટ કેપ છે માત્ર 4.71 ટીસી ડોલર…!

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર