વીથ લવ ફ્રોમ રશિયા- હવા હવાઇ.. હવાના સિન્ડ્રોમ…? ભારત સાવધાન..

ભારતમાં એક અધિકારી પર હવાના સિન્ડ્રોમનો હુમલો…

200 અમેરિકન એજન્ટો ભોગ બન્યા છે રહસ્યમય બિમારીના…

એક એવી બિમારી જેમાં હુમલા પછી- મૈં કૌન હું..કહાં હું…!

હવાના સિન્ડ્રોમ અંગે રશિયા સામે આંગળી જ નહીં હાથ ચિંધાયો..

ભારતમાં “હવાના”ની સત્તાવાર એન્ટ્રી-બચ કે રહિયોજી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હવાના સિન્ડ્રોમ. એક નવી બિમારી, જેણે ભારતમાં પ્રવેશ કર્યો છે. જો કે તે કોઇ કોરોના કે પ્લેગ જેવી સંક્રિમત બિમારી નથી. પણ ચોક્કસ લક્ષને ધ્યાનમાં રાખીને, અમેરિકાના કહેવા મુજબ હવાના સિન્ડ્રોમ બિમારી પાછળ સંભવતઃ રશિયાએ વિકસાવી છે અને અમેરિકાની જાસુસી સંસ્થા સીઆઇએના દુનિયાભરમાં ફેલાયેલા એજન્ટોને ટાર્ગેટ બનાવી તેમને શારીરિક રીતે એવા પાંગળા બનાવી દે છે કે તેઓ ફરી કામ જ ન કરી શકે. સીઆઇએના નહીં.. નહીં તો 200 જાસુસ એજન્ટો તેના ભોગ બન્યા છે…! અને બે દેશોની જાનલેવા જાસુસી લડાઇમાં ભારત ખોટી રીતે વગોવાઇ ગયું છે…કહો કે ભારતના માથે દાગ લાગી ગયો….! કઇ રીતે ?

અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ આ મહિને ભારત આવ્યા હતા. તેમની સાથે આવેલા સીઆઈએના એક અધિકારી પર દિલ્હીમાં હવાના સિન્ડ્રોમનો રહસ્યમય હુમલો થયો અને તેની અમેરિકામાં સારવાર કરાવવી પડી…! ન્યૂયોર્ક ટાઈમ્સ અને સીએનએનના રિપોર્ટ મુજબ સીઆઈએના અધિકારીમાં સતત હવાના સિન્ડ્રોમના લક્ષણ જોવા મળી રહ્યાં છે… અત્યાર સુધીમાં અમેરિકાના અંદાજે ૨૦૦ અધિકારીઓ અને તેમની સાથે રહસ્યમય રીતે તેમના પરિવારજનો આ રહસ્યમય બીમારીનો ભોગ બન્યા છે…!

એક રીતે જોઇએ દુનિયાના સૌથી રહસ્યમય હુમલા તરીકે ઓળખાતા ‘હવાના સિન્ડ્રોમ’એ ભારતમાં પ્રવેશ કર્યો કહેવાય. હવાના સિન્ડ્રોમ બીમારી પડછાયાની જેમ અમેરિકા અને તેના અધિકારીઓનો પીછો કરી રહી છે. સીઆઈએના ડિરેક્ટર વિલિયમ્સ બર્ન્સ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અંગે ભારત સાથે રાજદ્વારી ચર્ચા કરવા આવ્યા હતા, પરંતુ જાણે અજાણે સીઆઇએને ભારતમાં બીજા એક મહાસંકટનો સામનો કરવો પડયો….આ ઘટનાથી અમેરિકન બાઇડન સરકાર અને જાસુસી વડા વિલિયમ બર્ન્સ એલર્ટ બન્યા છે..સીઆઈએનું માનવું છે કે હવાના સિન્ડ્રોમના ભારતમાં હુમલા દ્વારા બર્ન્સને ચેતવણી આપવામાં આવી- સીઆઇએ સાથે પ્રત્યક્ષ રીતે કામ કરનારા લોકો સહિત કોઈપણ સલામત નથી….ભારતમાં પણ નહીં….

સીઆઈએના પ્રવક્તાએ ભારતમાં તેના અધિકારી પર હવાના સિન્ડ્રોમના હુમલાની રાબેતા મુજબ પુષ્ટી કરી નથી કેમ કે તે એક પરંપરા છે કે આવી ઘટનાનો ઇન્કાર કરવો અથવા મૌનીબાબા બની જવુ- નરો વા કુંજરવા…! અમેરિકા અને સીઆઇએ ‘હવાના સિન્ડ્રોમ’ના પ્રત્યેક કેસને ગંભીરતાથી લઈ રહી છે.

અમેરિકાની દુનિયાની ટોચની જાસીસી સંસ્થાના 200 એજન્ટોને સાવ પાંગળા કરી દેનાર આ બિમારીના લક્ષણો કેવા છે…? સીઆઇએ દ્વારા જાહેર કરાયા મુજબ, હવાના સિન્ડ્રોમથી પીડિત લોકોમાં માથાનો દુઃખાવો, કાનમાં મોટેથી સીસોટી વાગવી, કેોઇ તેમને ઢસડી રહ્યું છે… ઉલ્ટીઓ થવી, યાદશક્તિ ઘટી જવી…ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે અને ૨૦૧૬માં ક્યુબાની રાજધાની હવાનામાં સીઆઇએના એક અધિકારીમાં આ લક્ષણોવાળી બીમારીની સૌથી પહેલા જાણ થઈ હોવાથી તેને ‘હવાના સિન્ડ્રોમ’ નામ રાખવામાં આવ્યું છે.

૨૦૧૬માં ક્યુબામાં અમેરિકન દુતાવાસના અધિકારીઓ અને સીઆઈએના જાસૂસોએ એકાએક ઉલ્ટી, નાકમાંથી લોહી નીકળવું, કાનમાં દુઃખાવા અને થાક લાગવાની ફરિયાદો કરી હતી. તેમના મગજની તપાસ કરાતા જણાયું કે તેમના મગજના ટિશ્યુને બોમ્બ વિસ્ફોટ (!) અથવા કાર અકસ્માત વખતે થાય તે પ્રકારનું નુકસાન થયું હતું….! આ ઘટના પછી અમેરિકાએ તેના અડધાથી વધુ કર્મચારીઓને તાત્કાલિક ત્યાંથી પાછા બોલાવી લીધા હતા.

જેને સીઆઇએ રહસ્યમય બિમારી કહે છે તે હવાના સિન્ડ્રોમ બિમારીથી અમેરિકા અને કેનેડાના રાજદૂતો, જાસૂસો અને દૂતાવાસના કર્મચારીઓ સહિત આખી દુનિયા પરેશાન છે અને હવે તેમાં ભારતનો પણ ઉમેરો થઇ શકે તો નવાઇ નહીં..કેમ કે હવે પછી અમેરિકા સહિતના ઉચ્ચ મહાનુભાવો ભારતની મુલાકાતે આવે તો રાબેતા મુજબની સુરક્ષા ચકાસણીની સાથે હવાના સિન્ડ્રોમના હુમલાથી કઇ રીચે બચી શકાય તેનો સમાવેશ પણ સુરક્ષા મેન્યુઅલમાં કરવો પડે.. લક્ષણોના આધારે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને હજુ સુધી આ બીમારીના ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી..

સીઆઇએ આ નવા પ્રકારના હુમલાથી જાણકાર હશે જ પણ એલિયનની હયાતિની જેમ અમેરિકા તેની માહિતી જાહેર કરતાં નથી. એક શક્યતા એવી છે કે ભારત સહિત અન્ય દેશોમાં અમેરિકન અધિકારીઓ પર લેસર વેપનથી હુમલો કરાયો હોઇ શકે….! શું આ રહસ્યમય હુમલા પાછળ રશિયાનો હાથ છે…? તેનો જવાબ સીઆઇએ હાં માં આપે છે. આ એ જ રશિયા છે કે તેની જાસુસી સંસ્થા કેજીબીના અમેરિકાની સાથે મળી ગયેલા ડબલ એજન્ટોને ઘાસની ગંજીમાંથી સોય શોધવાના કપરાં કામની જેમ દુનિયાભરમાં શોધી શોધીને ખોરાકમાં એવો ઝેરી પદાર્થ આપે છે કે ખેલ ખતમ……!

રશિયાની કેજીબી તે કામ માટે ભલે વર્ષો લગાવે પણ ડબલ એજન્ટનો ખાતમો કરીને જ જંપે. આાવા ઝેર અને લેસર વેપનમાં રશિયા પાછળ નથી. ઇઝરાયલની જાસુસી સંસ્થા મોસાદ પણ આ કામમાં પારંગત છે અને મેગ્નેટીક માઇક્રો બોંબ દ્વારા બુલેટપ્રુફ કાર ઉડાવી દે છે. ટાર્ગેટ કારની પાછળ મોસાદનો જાસુસ સામાન્ય બાઇકસવારની જેમ તેની પાછળ પાછળ જાય અને એક તબક્કે બટન જેટલા માઇક્રો મેગ્નેટીક બોંબને અજાણતામાં કારને હાથ લાગી ગયો એવો ઢોંગ કરીને કારની સાથે ચિપકાવીને ધીરે ધીરે દૂર થઇને ટ્રાફિકમાં ગાયબ અને થોડીકવાર પછી કાર….ભુઉઉઉઉમ….! ભારતમાં આ પ્રકારે એક ઘટના બની હતી..

સંસદમાં રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્થાન તરફ જઇને તેમને પરાણે ભેટ્યા ત્યારે તે પછી ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે મોદીએ આ રીતે ભેટવાનું ટાળવુ જોઇતું હતું કેમ કે કોઇ આ રીતે ભેટીને તેના વસ્ત્રો દ્વારા વાઇરસ ફેલાવી શકે….અને મોદીએ સુરક્ષાની રીતે પાતાની તમામ રીતની ચકાસણી કરવી જોઇએ..! અલબત, વડાપ્રધાનને એવુ કાંઇ થયું નથી પણ સ્વામીની દલીલમાં દમ છે….

ભારતની જાસુસી સંસ્થા “રો”દ્વારા હવે એવી તપાસ થઇ શકે અથવા કરી જ હશે કે બર્ન્સની સાથે ભારત આવેલા અને હવાના સિન્ડ્રોમ હુમલાનો ભોગ બનનાર અધિકારી ક્યાં રોકાયો..કોને મળ્યો…કોની કોની અવરજવર હતી, હુમલામાં કોઇ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ-એઆઇ-નો ઉપયોગ થયો કે કેમ.. વગેરે. વગેરે.ની તપાસ કરી સીઆઇએ સાથે મળીને કરી જ હશે. અને તેના આધારે બીજી કોઇ ઘટના ન બને તેના સુરક્ષાના પગલા પણ લઇ શકે. બની શકે કે સીઆઇએ દ્વારા પણ કેજીબીના જાસુસો પર આવા હવાના ટાઇપના હુમલાઓ થયા હશે…અને બે દેશાના શીત યુધ્ધમાં ભોગ બની રહ્યાં છે એજન્ટો…! ભારત સાવધાન…હવાના સિન્ડ્રોમનું આગમન થયું છે…આપણાં કોઇ એજન્ટો તેનો ભોગ ના બને….!

 113 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી