1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશે, રાજ્ય સરકારનો નિર્ણય

ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-9 થી 12 પૂરતા ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે, શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધો.9 અને 11ના શાળાના વર્ગો તેમજ 9 થી 12ના ટયૂશન કલાસીસ શરૂ કરનારી શાળા-સંસ્થાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા S.O.Pનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે.

મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય અંગે વધુ માહિતી આપતા ચુડાસમાએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે અને કેસોની સંખ્યા પણ ઘટી રહી છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ બગડે નહીં એ માટે આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂન: શરૂ કરી શકાશે. આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધો. ૯ થી ૧રના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે SOP અગાઉ ધો. 10 અને 12ના તેમજ ઉચ્ચશિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં તા.8મી જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં covid-19 સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 78 ,  1