મુખ્યમંત્રીને ભાજપ નેતાઓએ જ છેતર્યાં! : કમલમ ફ્રૂટના નામે કેળાથી તુલા કરાઇ

બોક્સ ખોલ્યાં તો કેળાં નીકળ્યાં, Video થયો વાયરલ

રાજ્યમાં મુખ્યમંત્રી સહિત આખેઆખું નવું મંત્રીમંડળ અસ્તીત્વમાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને કમાન સોંપવામાં આવી છે. તેઓ મુખ્યમંત્રી બનતા જ તેઓ ફાસ્ટ્રેક મોડ પર આવી ગયા છે. તેઓ વિવિધ જિલ્લાની મુલાકાતો લઈ રહ્યા છે.

બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છની મુલાકાત લીધી હતી. ભૂજ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જાહેર મંચ પર કીમતી કમલમ ફ્રૂટ દ્વારા તેમની તુલા કરવામાં આવી હતી. જોકે કાર્યક્રમ બાદ કમલમનાં બોક્સ ખોલતા તેમાંથી કેળાં નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, બુધવારે ભુજ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની કમલમ ફ્રૂટ દ્વારા અગ્રણી સમૂહ દ્વારા તુલા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ બોક્સની તપાસ કરતા ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી કેળાં નીકળ્યાં હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

વીડિયો વાયરલ થતા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો રાજ્યના મુખ્યમંત્રી સાથે છેતરપિંડી થઈ શકે તો સામાન્ય પ્રજાનું કોઈ ગજું ખરૂ? બીજી બાજુ કેટલાક લોકો કહી રહ્યા છે કે, ભાજપના નેતાઓ જ સીએમને છેતરી ગયા છે. તો આ લોકો અન્યને કેવી રીતે છોડતા હશે? સીએમના કાર્યક્રમમાં નાનામાં નાની વસ્તુની તપાસ થતી હોય છે ત્યારે આ પ્રકારની મોટી બેદરકારીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી