પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના ગઢમાં CM ભુપેન્દ્ર પટેલનો આજે ભવ્ય રોડ શો

કોરોના વધતા કેસો વચ્ચે 1000 બાઈકની વિશાળ રેલી

ગુજરાતમાં સુશાસન સમારોહના અંતમિ દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપનો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રોડ શો ક્યાંથી ક્યા સુધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10.25 કલાકે એરપોર્ટ પહોંચશે ત્યાંથી 10.30 કલાકની આસપાસ રોડ શો શરૂ થશે. એરપોર્ટથી રેસકોર્સ રોડ, મેયર બંગલો, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને યાજ્ઞિક રોડ થઈને 11.30 કલાકની આસપાસ ડીએચ કોલેજ ખાતે પહોંચશે.
રસ્તામાં ડીજેના તાલ અને નૃત્યો થતા રહેશે તેમજ કાર્યકરો એકઠા થઇને સીએમનું સ્વાગત કરતા રહેશે. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ રેલી પણ હશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. સાથે જ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાની સમરસ થયેલ 130 ગ્રામ પંચાયતના સરપંચ, તથા 5 વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનુ બહુમાન કરાશે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે.

રોડ શો દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ
મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ આજે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે. તેમજ રોડ શોના રૂટમાં આવતા તમામ રસ્તાઓને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યાનો સમય રાજકોટવાસીઓ માટે આકરો બની રહેશે. તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી