‘કોરોનાકાળમાં દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા…’ કોંગ્રેસ પર મુખ્યમંત્રીનો પ્રહાર, Video

અમે કોરોનામાં ભયભીત હતા, જ્યારે કોંગ્રેસના લોકો દારૂ પીને ધુબાકા મારતા : CM રૂપાણી

ગુજરાતમાં 3 નવેમ્બરે 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ દરમિયાન રૂપાણીએ કોંગ્રસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં હવે કોંગ્રેસ તૂટી ગઇ છે. કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ હતાશ થઇને પાર્ટી છોડી રહ્યા છે.

વધુમાં સીએમએ કોંગ્રેસ અધ્યક્ષને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું, જ્યારથી અધ્યક્ષ બન્યા ત્યારથી એક પછી ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં આવી રહ્યા છે. સીએમ રૂપાણીએ કહ્યું ભાજપ સરકાર ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોની સરકાર છે.

સીએમએ કહ્યું હતું કે, અમે મત માટે કોંગ્રેસની જેમ વલખા નથી મારતા, પ્રજાના સુખે સુખી અને પ્રજા દુખે દુખી છીએ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાજપને મત આપજો, 3 તારીખ તમારી પછીના દિવસો અમારા..

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતા. કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રસશાસિત એક રાજ્ય બતાવો જ્યાં 25 ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે ક્યા સારા કામ થયા એ બતાવો તો ખરા. દરિયાનું ખારું પાણી મીઠું કરીને કચ્છમાં પહોંચાડીશું.

વધુમાં રૂપાણીએ દાવો કર્યો હતો કે, કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન કરી રહ્યા છીએ. કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે.

કોંગ્રેસે કર્યો પલટવાર

CM રૂપાણીના નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓએ પલટવાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે, જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવાયા ત્યારે અક્ષર પટેલ, જે.વી. કાકડિયા સહિતના હાલમા ભાજપના ઉમેદવારો પણ તેમની સાથે ગયા હતા. રૂપાણીએ જવાબ આપવો જોઈએ કે, અત્યારે ભાજપમાં ગયેલા કોંગ્રેસના જૂના ધારાસભ્યોએ પણ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા માર્યા હતા કે નહીં ?

મુખ્યમંત્રીના દારુના નિવેદન પર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, મુખ્યમંત્રીએ  આવું નિવેદન ના આપવું જોઈએ. તેમણ સવાલ કર્યો કે, જેના પ્રચારમાં સીએમ ખુદ ગયા છે તે બધા ઘારાસભ્યો પણ જયુપર હતા તો શું તે લોકો બધા દારુડિયા હતા ? તેમણે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધીઓ પર આવા આક્ષેપો કરવા યોગ્ય નથી અને મુખ્યમંત્રીએ પ્રજાના  પ્રતિનિધી તેમજ પ્રજાની માફી માંગવી જોઈએ.

જણાવી દઇએ, 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર