ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડી વધી : સિઝનમાં પહેલીવાર નલિયા 7

હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા : હવામાન વિભાગ

માવઠા બાદ શિયાળાની ઋતુ ધીરે ધીરે જામી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં વહેલી પરોઢે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આજે નલિયાનુ લઘુતમ તાપમાન ઘટી સિઝનમાં પહેલીવાર 7 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આ ઉપરાંત વહેલી પરોઢે ઠંડા અને સુકા પવનને કારણે રાજ્યના અન્ય ભાગોમાં પણ ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી. આજે અમદાવાદનુ તાપમાન પણ 17.3 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. પરંતુ વહેલી પરોઢે સુસવાટા મારતા પવનને કારણેકડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

ઉત્તરીય રાજ્યોમાં થઇ રહેલી સતત હિ‌મવર્ષાના કારણે દેશના ત્યાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ત્યારે ગત બે દિવસોથી ગુજરાતમાં પણ ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને વિવિધ શહેરના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસ-પાસ પહોંચી જતા વહેલી પરોઢ અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બીજી તરફ વહેલી પરોઢે ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.જ્યારે દિવસનું તાપમાન પણ 30 ડિગ્રીની નીચે રહેતા દિવસે પણ સામાન્ય ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતુ કે, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનુ લઘુતમ તાપમાન ઘટી 15 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 6 ડિગ્રીની નીચે જવાની પણ વકી છે.

રાજ્યના વિવિધ શહેરના તાપમાન
નલિયા 7
અમદાવાદ 17.1
ડીસા 15.2
વડોદરા 18.4
રાજકોટ 11.8
કેશોદ 12.2
ભાવનગર 15.8
પોરબંદર 14.4
દ્વારકા 15.6
ભૂજ 11.2
સુરેન્દ્રનગર 14.8
અમરેલી 12.4
કંડલા 13.3
ગાંધીનગર 17
મહુવા 15.1
વલસાડ 14.5
વીવીનગર 17.6

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર