આવો તુમ્હે ચાંદ પર નહીં.. પણ ઇમરજન્સી મેં લે જાય…!

“ઝાંસી કી રાની” કંગના હવે ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં…

જયલલિતાની ભૂમિકા ભજવ્યા બાદ હવે “ઇમરજન્સી”માં લઇ જશે…

ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના પરિવારના સભ્યો પણ દર્શાવાશે..?

કહેવાય છે કે આંધી ફિલ્મ ઇન્દિરાના જીવન પર બની છે..

કટોકટી પર બની હતી ફિલ્મ કિસ્સા કર્સી કા…

આજે 25મી જૂને કટોકટીને 46 વર્ષ થયાં…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

25 જૂન 1975. કોંગ્રેસને આ તારીખ યાદ નથી અથવા તે યાદ રાખવા પણ તૈયાર ન હોય. પણ દર્પણ જૂઠ ના બોલે…ની જેમ ઇતિહાસ તો બોલશે જ. પોતાની ચૂંટણીને પડકારતી રીટમાં તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની હાર થતાં સરકાર બચાવવા ભારતમાં આંતરિક કટોકટી જાહેર કરી હતી. જે ઇમરજન્સી ના નામે ત્યારબાદ ઓળખાઇ. ઇન્દિરા ગાંધી આજે નથી પણ દર 25મી જૂને ભાજપ અને જેઓ કટોકટી વખતે જેલમાં હતા તે તમામ મીસાવાસીઓ તેને યાદ કરે છે. પણ જેનો જન્મ કટોકટી 1977માં પૂરી થયાના 10 વર્ષબાદ 1987માં થયો તે વિવાદી અભિનેત્રી કંગનાએ પણ ઇન્દિરા ગાંધી અને ઇમરજન્સીને યાદ કરી…!

પંગાગર્લ તરીકે જાણીતી કંગના ઝાંસી કી રાની, જયલલિતા બાદ હવે ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં આવી રહી છે. ફિલ્મનુ નામ ઇમરજન્સી રાખ્યું છે અને પોતે તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવશે અને તેનું ડિરેકશન પણ પોતે જ કરશે. તેઓ કહે છે કે આ ફિલ્મનું નિર્દેશન તેના કરતાં અન્ય કોઇ સારી રીતે કરી જ નહીં શકે..એટલે પોતે ડિરેકરટરની હેટ પહેરીને ડીરેકશન આપશે અને પોતે જ ઇન્દિરા ગાંધીની નકલ કરશે…!

કંગના કા ઝુકાવ કિસ ઓર હૈ આ કાંઇ છુપુ રહ્યું નથી. એટલે એમ કહી શકાય કે કોઇને રાજી રાખવા ઇમરજન્સી ફિલ્મના નામે તે વખતે કોંગ્રેસે અને ઇન્દિરાએ કઇ રીતે દેશને હેરાન કર્યા અને કઇ રીતે વાજપેયી અડવાણી સહિતના નેતાઓને ધડાધડ એક સાથે પકડીને જેલમાં પૂર્યા તેના દ્રશ્યો અને શક્ય છે કે શીખ વિરોધી રમખાણો પણ દર્શાવી શકે.

આમ તો કંગનાનો દાવો છે કે ફિલ્મનુ નામ માત્ર ઇમરજન્સી છે પણ તેને 1975ની કટોકટી સાથે કાંઇ લેવા કે કાંઇ દેવા નથી. સુનતા ભી દિવાના ઔર કહતા ભી…દિવાની…! ભલી બાઇ…. કંગનાબુન, તમે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતા હોવ અને તેમાં ઇમરજન્સીનો ઉલ્લેખ ના આવે એવુ બને..? 1971ના યુધ્ધમાં ઇન્દિરાએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા અને તે વખતે જનસંઘના નેતા વાજપેયીએ તેમને દુર્ગા સાથે સરખાવ્યાં એ સમયગાળાનું ચિત્રણ ચલચિત્રમાં જોવા મળશે…? આ પ્રકારની ફિલ્મ કેમ બને છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગના પીએ લખેલા પુસ્તક ધ એકસીડેન્ટલ પીએમ પરથી ફિલ્મ કેમ બની તે જાહેર છે.

કંગના ઐસી નહી થી. પણ રાજકારણનો ચસ્કો લાગ્યા બાદ વિવાદ ઉપર વિવાદ….અને વિવાદોમાં ઘેરાઇને હવે તે કેન્દ્રીય સુરક્ષાના ઘેરામાં બહાર ફરે છે. આઇબી રિપોર્ટ છે કે કંગના ઉપર હમલા હો સકતા હૈ એટલે વાય પ્લસ સિક્યુરીટી આપવામાં આવી છે. કિસાન આંદોલન વખતે પણ કંગનાએ આંદોલનકારી મહિલા 100 રૂપિયાવાળી છે એમ કહીને વિવાદ જગાવ્યો અને તેના પર વધુ એક કેસ થયો છે. વધુ એટલા માટે કે જાહેર નિવેદન આપવાની શરૂઆત કર્યા બાદ કંગનાની સામે ઘણાં કોર્ટ કેસો થયા છે.

બોલીવુડમાં જબરો ટ્રેન્ડ ચાલે છે. જેઓ હજુ હયાત છે એવી સેલેબ્રીટીના જીવન પર ફિલ્મો બની. ક્રિકેટર ધોની, વિશ્વ કપ જીતનાર કપિલદેવ, હમણાં જ જેમનું નિધન થયું કે મિલ્ખાસિંગ, બોકસર મેરીકોમ શટલ રેકેટ ટેનિસ પ્લેયર સાયનાના જીવન પર ફિલ્મ બની છે. કોઇ ચોક્કસ ફિલ્ડમાં રાતોરાત સેલેબ બની જાય એટલે તેની લોકપ્રિયતાને એન્કેશ કરવા તેના જીવન પર ફટાફટ ફિલ્મ બની જાય છે. ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો વર્ષો પહેલા બનેલી ફિલ્મ આંધી તેમના જીવન પરથી બની હોવાનું કહેવાય છે. કિસ્સા કર્સી કા ફિલ્મ કટોકટી પરથી બની હતી. પણ હવે 21મી સદીના નયા ભારતને કંગના 20મી સદીની કટોકટીના દર્શન કરાવશે..!

કહેવાની જરૂર નથી કે આ ફિલ્મ વિવાદો જગાવશે. એક બે વર્ષમાં ફિલ્મ બની જશે અને પછી શરૂ થશે વાદ અને વિવાદ…ટીવી ડિબેટ અને જેમણે કટોકટી જોઇ નથી કે અનુભવ કર્યો નથી એ નવી પેઢીના દર્શકો પણ ઇન્દિરા ગાંધી બનેલી કંગનાની ફિલ્મ દ્વારા કટોકટીના દર્શન કરશે..! .ઇન્દિરાના બે પુત્રો રાજીવ અને સંજ્ય ગાંધી કોણ બનશે કંગનાની આ ફિલ્મમાં…? અને પછી તેમાં ઇન્દિરાના પુત્રવધુ સોનિયા ગાંધીનું પાત્ર આવશે…? અને આવશે તો સોનિયા ગાંધી કોણ બનશે…?! ફિલ્મ બનશે ત્યારે એમ કહેવાશે કે કંગનાએ ગાંધી પરિવાર પર ફિલ્મ બનાવી…!

એક નેતા અંગે એમ કહેવાય છે કે તમે તેને ધિક્કારો કે પ્રેમ કરો પણ તેમને યાદ તો કરવા જ પડે તેમ કંગના ઇમરજન્સી ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવીને જેમણે ઇન્દિરાને જોઇ નથી એવી પેઢી સમક્ષ કેવી ઇન્દિરા રજૂ કરશે એ જાણવામાં નેહરૂ-ગાંધી પરિવારને પણઁ રસ હોય જ..! આ ફિલ્મને લઇને કંગના પર કોઇ કેસ નહીં થાય એમ રખે માનતા….! ફિલ્મને અટકાવવાથી માંડીને અનેક પીઆર ખેલ થવાની શકયતા હોઇ શકે. કેમ કે યે તો એક ખેલા હૈ…અને ખેલા હોબે…ની જેમ તથા જેમાં કંગના સીધી રીતે જોડાયેલી હોય એ ફિલ્મ વિવાદ ના સર્જો તો જ નવાઇ કહેવાશે..અને હાં ઇન્દિરા ગાંધીના જીવન પર ફિલ્મ હોય તો તેમાં નેહરૂનું પાત્ર તો હશે જ..એ રોલ રોશન શેઠને જ અપાય તો ઘણાં વખાણશે કેમ કે તેઓ આબેહુબ નેહરૂ જેવા લાગે છે..! ઇન્દિરાની કટોકટી 21 મહિના સુધી રહી હતી. કંગનાની નવી ફિલ્મ ઇમરજન્સી 21 મહિના ચાલશે અથવા ચલાવાશે…? લગાવ શરત…?!

 70 ,  1