આંદોલનમાં 700 ખેડૂતોના મોત, ભાજપના સાંસદે કહ્યું- એક-એક કરોડનું વળતર આપો..

વરુણ ગાંધીની પીએમ મોદીને પત્ર લખીને મોટી માગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રકાશ પ્રર્વે નવા ત્રણ કૃષિ કાળા કાયદા રદ કરવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે આ મામલે સત્તા પક્ષ ભાજપ સહિત પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખેડૂતોના હમસફર બનેલા ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ વરુણ ગાંધીએ ફરી વાર પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને એમએસપી પર કાયદો બનાવવાની માગ કરી છે. વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે મારી નમ્ર વિનંતી છે કે હવે MSP પર પણ કાયદો બનાવવો જોઈએ તથા બીજા મુદ્દા પણ તત્કાળ નિર્ણય થવો જોઈએ, જેનાથી ખેડૂત ભાઈ આંદોલન ખતમ કરીને સન્માન સાથે પોતપોતાના ઘેર જઈ શકે.

પત્રમાં વરુણ ગાંધીએ એવું પણ લખ્યું કે લખીમપુર ખીરી ઘટના લોકશાહી પર કલંક સમાન છે. આ કેસના આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ સાથે સરકારે રાષ્ટ્રહિતમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરન્ટી આપવાની ખેડૂતોની માગ પણ સ્વીકારવી જોઈએ. આ આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારજનોને એક-એક કરોડનું વળતર આપવું જોઈએ.

વરુણે લખ્યું કે આંદોલન દરમિયાન 700થી વધુ ખેડૂતો ‘શહીદ’ થયા છે અને આ નિર્ણય અગાઉથી લેવો જોઈતો હતો. તેમણે લખ્યું હતું કે, ‘હું તમને વિનંતી કરું છું કે આંદોલન દરમિયાન શહીદ થયેલા અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે દરેકને એક-એક કરોડ રૂપિયાનું વળતર જાહેર કરો.’ તેમણે ખેડૂતો સામે નોંધાયેલી ‘ખોટી’ એફઆઈઆર ને નકારી કાઢવાની પણ માંગ કરી હતી.

લખીમપુર ખીરી કેસનો ઉલ્લેખ કરતાં ભાજપના સાંસદે પીએમ મોદીને લખેલા પત્રમાં આશિષ મિશ્રાના પિતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેન્દ્રીય પ્રધાનના પુત્રની કારે ઓક્ટોબરમાં લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને કારથી કચડી નાખ્યાં હતા જેના પગલે આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર, ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવરના નામ સામેલ છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી