કોર્ટમાં જ સિનિયર વકીલે મહિલા વકીલની છેડતી કર્યાની ફરિયાદ

વકીલે પણ મહિલા સામે એટ્રોસિટીની ક્રોસ ફરિયાદ નોંધાવી

અગાઉ બન્ને સાથે કામ કરતા હતા બે વર્ષથી અલગ થયા બાદ સામ સામે ફરિયાદનો દોર

મહિલા વકીલ સાથે કોર્ટ કંપાઉન્ડમાં સિનિયર વકીલ દ્વારા જ અભદ્ર વર્તનનો મામલો સામે આવ્યો છે. મહિલા વકીલે આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસને કહ્યું કે, ‘સિનિયર વકીલે તેમને બિભત્સ શબ્દો બોલ્યા અને અગાઉ કરેલ કેસ પરત નહીં ખેંચે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક છેડતી કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ સિનિયર વકીલે મહિલા વકીલ સામે એટ્રોસિટીની ક્રોસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, બન્ને વકીલો પહેલા સાથે કામ કરતા હતા પરંતુ ત્યારબાદ બે વર્ષ અગાઉ અલગ થયા બાદ સામ સામે ફરિયાદો કર્યા કરે છે.

મહિલા વકીલ શુક્રવારે સાંજે કોર્ટમાં ગયા હતા અને કોર્ટ શેડ ટાઇપીસ્ટ પાસે ટાઈપિંગ કરાવતા હતા. આ દરમિયાન તેમના સિનિયર વકીલ તેમની પાસે આવ્યા હતા, અને અભદ્ર વર્તન કર્યું હતું. મહિલા વકીલનો આક્ષેપ છે કે, ‘આરોપી વકીલે મહિલાના શરીર પર હાથ ફેરવી અડપલાં કર્યા હતા, તેમણે તુરંત પ્રતિકાર કરી ધક્કો માર્યો હતો, છતાં આરોપી ફરી તેમની પાસે આવીને આ રીતે અડપલા કર્યા હતા. જેથી મહિલા વકીલ ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.’

ફરિયાદ અનુસાર, ‘આરોપી સિનિયર વકીલે તેમને ધમકી આપી કહ્યું કે, મારી ઉપર અગાઉ કરેલ બે કેસ પરત ખેંચી લે નહીં તો મજા નહીં આવે. તે કરેલ બંને કેસો પરત ખેંચવાનો કરાર મે કર્યો છે, તેના પર સહી કરી દે. મેં તને અગાઉ whatsapp પણ કરેલ, જે એગ્રીમેન્ટ પર પણ સહી કરવામાં હજુ સુધી આવી નથી.’ આ સિવાય કહ્યું કે, ‘કોર્ટમાં તું વકીલાત કેવી રીતે કરે છે તું જો, તેવી ધમકી આપી હતી’.

મહિલા વકીલે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, આરોપી આટલે ના અટક્યો તેણે, ‘તું … છે, તારો કેટલો …. બોલાય છે, અને તને ફેસબુક પર કેટલાની ઓફર આવે છે, તે મને ખબર છે, તેમ કહીને જાહેરમાં બદનામી કરી હતી’. મહિલા વકિલે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારબાદ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં મહિલાએ ફરિયાદ કરતા વકીલે મહિલા સહિત ત્રણ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે મહિલા વકીલે જાતિ વિષયક શબ્દો બોલી અપમાનીત કર્યા હોવાની રજૂઆત કરી છે. બન્ને મામલે શાહપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

 125 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર