આસામમાં આવતીકાલથી સાત જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન

કોરોનાના વધતા કેસોને પગલે આ નિર્ણય લેવાયો

દેશમાં કોરોનાની બીજી વેવ ઘટી રહી છે. બીજી બાજુ દેશના અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા નથી. આસામમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે 7 જુલાઈ એટલે કે આવતીકાલથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી 7 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની ઘોષણા કરવામાં આવી છે. ગોલાપરા, ગોલાઘાટ, જોરહટ, લખીમપુર, સોનીતપુર, વિશ્વનાથ અને મોરીગાંવ આ સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન 24 કલાક સુધી કર્ફ્યુ લાગુ રહેશે. વ્યવસાયિક પ્રવૃતિ, રેસ્ટોરન્ટ, દુકાનો બંધ રહેશે. જાહેર અને ખાનગી પરિવહન પર નિયંત્રણો અમલમાં રહેશે. આંતરરાજ્યની આવાગમન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સોમવારે આસામમાં કોરોનાના 2,640 કેસ નોંધાયા હતા જ્યારે 31 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે રાજ્યમાં કોરોનાના 5 લાખ 19 હજાર 834 કેસ નોંધાયા છે તેમજ અત્યાર સુધીમાં 4,683 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં કોરોનાના 22,243 સક્રિય કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,521 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,91,561 દર્દીઓ સ્વસ્થ થયા છે. બીજી બાજુ 76.85 લાખથી વધુ લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે, જે પૈકી 13.09 લાખને બંને ડોઝ પ્રાપ્ત થયા છે. સોમવારે 57,601 લોકોને રસી આપવામાં આવી હતી. રવિવારે, કોરોના રસીના 41,631 ડોઝ આપવામાં આવ્યા હતા.

 106 ,  1