ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરે ઝેરી દવા પીને કર્યો આપઘાત

આત્મહત્યાનું કારણ હજુ અકબંધ, ઘટનાના પગલે શોકની લાગણી ફેલાઈ 

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અંતિમ અગ્રવાલે અંતિમ પગલું ભરતા આત્મહત્યા કરી લીધી હતી. તેમને વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જતા સમયે વચ્ચે જ તેમનું મોત થયું હતું. અંતિમ અગ્રવાલે ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી, જો કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાના પગલે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શનિવારના રોજ કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી. કાઉન્સિલરના સ્નેહીજનો માંડલેશ્ચર દોડી ગયા હતા. ત્યારે ખુબ જ કફોડી હાલતમાં અંતિમને ઝાલોદના ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્થિતી નાજૂક જણાંતા વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.  વડોદરા હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યુ હતુ. 

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારમાં અંતિમની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે.  અંતિમ દ્વારા લેવામાં આવેલું આ પગલું પોતાના માથે જ આ તમામ ભ્રષ્ટાચારના આક્ષેપ આવશે તેના ડરથી પગલુ ભરવામાં આવ્યુ હોવાનું તેમના મિત્ર વર્તુળમાં ચર્ચાઇ રહ્યુ છે. બીજી તરફ તાજેતરમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં આરોપી એવા અજય કલાલ દ્વારા પાલિકા માં ખોટા બીલો રજૂ કરી અને પેટ્રોલ પંપની પાછળની દુકાન પચાવી પાડી હતી. જે અંગે પાલિકા એ નોટિસ પણ ફટકારી છે. ત્યારે આ દુકાનના કાંડમાં બીલોથી લઈને ખોટી સહીઓ માં પણ અંતિમ અગ્રવાલનું નામ હોવાનું બહાર આવેલુ છે.  ત્યારે તેમના દ્વારા લેવામાં આવેલું આ આત્મહત્યાનું પગલું તપાસ ઉપરાંત અન્ય પણ કોઈ કાંડ માં આવતું હોવાથી ભરવામાં આવ્યું હોવાનું પણ અનુમાન થઇ રહ્યુ છે. જો કે, આ મામલે પોલીસે તપાસ આરંભી દીધી છે. 

દાહોદ જિલ્લાના ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ પાલિકાનું રાજકારણ ગરમાયું હતું. આ હત્યાકાંડમાં પાલિકામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર થી લઇ ને પાલિકાનું આંતરીક રાજકારણ જ જવાબદાર હોવાનું ચર્ચામાં રહ્યુ છે. આ માહોલ વચ્ચે  શનિવારના રોજ કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાની ઘટના સમગ્ર નગરમાં ચર્ચાના ચકડોળે ચડી હતી

 62 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર