કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો હુંકારઃ 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા અમદાવાદની મુલાકાતે 

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પહોંચેલા રઘુ શર્માનું કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં રઘુ શર્માએ કહ્યું હતું કે, મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. અમે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અમે એક થઈને ભાજપ સાથે મુકાબલો કરીશું. 

તેમણે ગુજરાતની ધરતી પર ઉતરતા જ મોટો દાવો કર્યો કે, 2022માં ગુજરાતમાં કોગ્રેસની સરકાર બનશે. મારી પ્રાથમિકતા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની હશે. પ્રદેશથી બુથ લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવીશું. કોંગ્રેસ સડક પર ઉતરીને સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. રાજસ્થાનના આરોગ્યમંત્રી તરીકે હું સફળ, ગુજરાતના આરોગ્યમંત્રી નિષ્ફળ એટલે બદલાયા.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપનું મંત્રી મંડળ અસફળ હતું તે ભાજપે જ ફેરફાર કરીને સ્વીકાર્યું. ભાજપને ચિંતા માત્ર ચૂંટણી જીતવાની છે. ગુજરાતની જનતાની ભાજપને ચિંતા નથી. અમદાવાદ આવી પહોંચેલા રઘુ શર્મા એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે, ત્યાંથી ભદ્રકાળી મંદિર અને તે પછી જગન્નાથ મંદિરે દર્શન માટે જશે. અમદાવાદ એરપોર્ટ પર રઘુ શર્માને આવકારવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી