370: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને લલિત વસોયાનું સરકારને સમર્થન

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું જે રાજ્યસભામાં 125 સામે 61 વોટથી પસાર થયું છે. આ મામલે દેશભરમાં ઊજવણીનો માહોલ છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ઊજવણી થઈ રહી છે અને કોંગ્રેસના બે કદાવર પાટીદાર નેતાઓએ પક્ષથી વિરુદ્ધ જઈને આ બીલને સમર્થન કર્યુ છે.

કોંગ્રેસના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારને સમર્થન કરી દીધું છે. વસોયાએ પોતાના ઑફિશિયલ ફેસબુક પેજ પર અને હાર્દિક અનઓફિશિયલ પેજ પર પોતાના ફોટા સાથેની પોસ્ટ મૂકી અને ભારતની એકતા અને અખંડતાના મુદ્દે કેન્દ્રની એનડીએ સરકારે પસાર કરેલા વિધેયકનું સમર્થન કર્યુ છે.

પહેલાથી જ કયાસ લગાવવામાં આવતો હતો કે, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના ત્રણ ભાગમાં વહેંચવા જઈ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, મોદી સરકાર જમ્મુ, કાશ્મીર અને લદાખ એમ ત્રણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી શકે છે. આના અંગે હવે નિર્ણય આવી ગયો છે અને મોદી સરકારે લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.

સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બીલને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પણ સમર્થન કર્યુ હતું. કોંગ્રેસના હરિયાણાના સાંસદ દિપેન્દર સિંઘ હુડા અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિંદ દેવરાએ પણ આ બીલનું સમર્થન કર્યુ હતું.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી