માની ગયા ખેડાવાલા, રાજીનામું પાછું ખેંચી લીધું

એવું કામ નહીં કરું જેનાથી પક્ષને નુકસાન થાય : ઈમરાન ખેડાવાલા

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગઈ કાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું ધરી દીધું હતું. જ્યારે આજે તેમણે નારાજગી સાથે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. એવું કામ નહીં કરું કે પક્ષને નુકસાન થાય. મનદુઃખ જરૂર થયું છે પંરતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી તેમણે સંતોષ હોવાનો પણ દાવો કર્યો. 

બહેરામપુરા વોર્ડના ઉમેદવારોને લઈને ઈમરાન ખેડાવાલા નારાજ છે. ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે 4 ઉમેદવારોના મેન્ડેટ આપ્યા હતા. કમરૂદીન પઠાણ, તસ્લીમ આલમ તિરમીઝી, કમલા ચાવડા, નજમા શેખના મેન્ડેટ ઈમરાનને અપાયા હતા. જો કે આ સિવાય કોંગ્રેસે બે ઉમેદવારોને વધુ મેન્ડેટ આપી દીધા. બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસે કુલ 6 ઉમેદવારોને મેન્ડેટ આપી દીધા. ઈમરાન ખેડાવાલાનું કહેવું છે કે જ્યારે મને 4 ઉમેદવારોના મેન્ડેટ આપી દીધા તો બીજા બે ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેટ કેમ આપ્યા. રફીક શેખ અને શાહજહાં અંસારીને મેન્ડેટ કોંગ્રેસે આપતા ઈમરાન ખેડાવાલાએ વિરોધ દર્શાવ્યો છે. 

જણાવી દઇએ, ઈમરાન ખેડાવાલા આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવાના હતા પરંતુ અમિત ચાવડા સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય માંડી વાળ્યો છે. ખેડાવાલાએ કહ્યુ કે, પક્ષે જેમને ઉમેદવાર બનાવ્યા છે તેમના માટે પણ તેઓ કામ કરશે જ.

 76 ,  1