કોંગ્રેસ નેતા પિત્રોડાનું વિવાદિત નિવેદન, બાલાકોટ એર સ્ટ્રાઈક પર ઉઠાવ્યાં સવાલ

પુલવામાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા POKમાં આતંકીઓના ઠેકાણા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક ગણાતા સામ પિત્રોડાએ સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જો 300 લોકોના મોત થયા છે તો તે વિશે પુરાવા આપવા જોઈએ. આ માત્ર હું નહીં પરંતુ સમગ્ર દેશ જાણવા માગે છે.

સાથે જ પિત્રોડાએ પાકિસ્તાનની તરફેણ કરી છે. તેમણે કહ્યું, પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણાવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે મુંબઇ હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી. સામ પિત્રોડાના નિવેદનને લઈ વિવાદ ઊભો થયો છે. ચારે તરફ કોંગ્રેસ નેતાની સખત આલોચના કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી. પિત્રોડાના આરોપમાં મોદીએ ટ્વિટ કર્યું છે કે, વિપક્ષ સતત સેનાનું અપમાન કરી રહી છે. હું દરેક ભારતીયોને અપીલ કરું છું કે, વિપક્ષના નિવેદનો સામે સવાલ ઉભા કરે. 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહીં કરે. સમગ્ર દેશ સેના સાથે મજબુતીથી ઉભુ છે.

પોતાના નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ પર પિત્રોડાએ બચાવ કરતાં કહ્યું કે, હું એક નાગરિક તરીકે જાણવા માંગતો હતો કે શું થયું હતું? હું પાર્ટી તરફથી નહોતો વાત કરતો, માત્ર એક નાગરિક તરીકે બોલતો હતો. મારે તે જાણવાનો અધિકાર છે તેમાં ખોટું શું છે? પિત્રોડાના નિવેદન પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, સામ પિત્રોડાને શરમ આવવી જોઈએ. એક તરફ તેઓ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી રહ્યા છે અને બીજી તરફ એર સ્ટ્રાઇકને લઈને મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદથી અલગ કરવાનો આ ચોંકાવનારો પ્રયાસ છે.

 47 ,  3