પંજાબમાં કોંગ્રેસના નવા ‘કેપ્ટન બન્યા ‘સિદ્ધૂ’

 સોનિયા ગાંધીએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોંપી 

પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોંપી દીધી છે. સિદ્ધૂ સુનીલ જાખડનું સ્થાન લેશે. આ સાથે ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધૂની સાથે ચાર નેતાઓને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સંગત સિંહ, કુલજીત નાગરા, પવન ગોયલ અને સુખવિંદર ડૈનીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 

આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેવામાં કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ અધ્યક્ષ પદ માટે નવજોત સિંહ સિદ્ધૂના નામ પર મહોર લગાવી દીધી છે. આવનારા સમયમાં સિદ્ધૂની સાથે અનેક પડકારો હશે જેનો તેણે સામનો કરવો પડશે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સિદ્ધૂને પંજાબ કોંગ્રેસની કમાન મળી શકે છે. તેવા પણ સમાચાર સામે આવ્યા કે સિદ્ધૂને પાર્ટીની કમાન સોંપવાના સંભવિત નિર્ણયથી મુખ્યમંત્રી અમરિંદર સિંહ નારાજ છે. પરંતુ અંતે સિદ્ધૂને સફળતા મળી છે.

 44 ,  1