September 19, 2020
September 19, 2020

કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, પરંતુ ‘પાટીલોત્સવ’ ઉજવાય..!

‘અરે કાયદાનું ના માનો..પરંતુ મોદી સાહેબની વાત તો માનો..’ કોંગ્રેસ પ્રવક્તાનો ટોણો

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન દરેક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરાજાહેર ભંગ થયો હતો. ભાજપના અન્ય કાર્યકર્તાઓ પાટિલના સ્વાગતમાં ઉમટી પડ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું ભાજપના નેતાઓને કાયદા-કાનૂન લાગુ નથી પડતા તેવા સવાલો પણ પ્રજાજનો પૂછી રહ્યા છે.

તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુજરાત ભાજપ પ્રમુખના રોડ શો અને સૌરાષ્ટ્ર પ્રવાસ પર નિશાન સાધી સરકાર સામે સવાલો કર્યા છે.

તેમણે કહ્યું કોરોના મહા મારીને લઈ રાજ્યમાં સરકારે આમ તહેવારો પર પ્રતિબંધ લગાવ્યો છે, રથયાત્રા ના નીકળી શકે, કૃષ્ણ જન્મોત્સવ કે ગણેશોત્સવ ના ઉજવી શકાય, નવરાત્રિનો નિર્ણય અધ્ધર તાલ રખાય પણ પાટીલોત્સવ ઉજવાય પણ ખરો અને ગરબે ઘુમી આનંદાય પણ ખરો.

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સુરતમાં તેમના આગમન સમયે આયોજીત સ્વાગતની રેલી સોશિયલલ મીડીયા અને મીડીયાના દબાણથી રદ કરવી પડી હતી તેની દાઝ કોરોના ઉપર ઉતારતા હોય તેમ સી.આર પાટીલ ફુલેકે ચઢ્યા છે. પક્ષ સંગઠન સાથે મિલન કાર્યક્રમ હોય તો બંધ હોલમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવી થઈ જ શકે છે એમાં રોડ ઉપર સરઘસો કાઢવાની કે ગરબે ઘુમવાની જરૂર શું તે સમજાતુ નથી. પેન્ડેમિક એક્ટ અને કોરોનાની ગાઈડલાઈન અભરાઈએ ચઢાવી જે રીતે ભાજપ સંગઠનને પાટીલના જાહેર સ્વાગતની ફરજ પડાઈ રહી છે તે જોતા એવુ લાગે છે કે ભાજપને જીતાડવા કરતા પ્રમુખ સાહેબને કોરોનાને જીતાડવામાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે.

વધુમાં કોંગ્રેસ પર પ્રવ્ક્તએ કહ્યું, ભાજપ કાર્યકરોએ માસ્કનો દંડ એડવાન્સમાં ભર્યો હોય એમ સદંતર નિયમનો ભંગ કરે અને હાજર પોલીસ ખાતુ દયનીય બની જોયા કરે તે દુઃખદ છે. ભાજપના આ ઉત્સાહી ભક્તો પર કાયદાનો કોઈ અંકુશ જ નથી. અરે કાયદાનું ના માનો, વિજયભાઈનું તો નથી જ માનતા પણ મોદી સાહેબની વાત તો માનો.

જણાવી દઈએ, સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાના ઈરાદાથી નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. તેમણે સોમનાથ મંદિરે દર્શન કરીને પોતાની સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જોકે તેમની આ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. સરકાર જાહેરમાં આતશબાજી કે જશ્નનો ન મનાવવા આદેશ આપ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કાર્યકર્તાઓ નવા નિમાયેલા અધ્યક્ષના સ્વાગત માટે જાહેરમાં ફટાકડા ફોડી સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી ભવ્ય આતશબાજી કરી હતી.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર