ગુજરાતમાં આવતીકાલે કોરોનાની રસી મળશે નહીં

ગુરૂવારથી ફરી રાબેતા મુજબ શરૂ થશે રસીકરણ અભિયાન

અમદાવાદ સહિત સમ્રગ ગુજરાતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં હવેથી બુધવારે વેક્સિનેશન કાર્યક્રમ બંધ રહેશે. બીજી બાજુ તો એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે રસીની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી રસીકરણ કેન્દ્રો પર રસીની સ્ટોક અછત હોવાની અનકે ફરિયાદો સામે આવી છે. રસી લેવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનોની કતાર લાગે છે પણ સરકાર પાસે રસીના ડોઝ પૂરતા ન હોવાના પગલે પ્રજાને રીતસરની રઝળપાટ કરવી પડે છે.

રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતુબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાની બીજી વેવનો પ્રકોપ ઘટી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો સતત કાબુમાં આવી રહ્યાં છે જેના પગલે છેલ્લા ઘણા દિવસોથી 100થી ઓછા કેસ નોંધાય રહ્યા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 62 કેસ નોંધાયા જ્યારે 2 વ્યક્તિનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલમાં રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 2333 છે તો 9 દર્દી વેન્ટીલેટર પર છે.

 18 ,  1