વડોદરા : પાણીગેટ વિસ્તારની શ્રીજી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોનો હોબાળો

‘હોસ્પિટલને બંધ કરો, મારી મમ્મીને મારી નાખી..’ દિકરીનો આક્રંદ

વડોદરામાં કોરોનાના દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આયુર્વેદિક ત્રણ રસ્તાની પાસે આવેલ શ્રીજી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે કોરોનાના દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી હતી.  

શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધુ એક હોસ્પિટલ પર દર્દીની સારવારમાં બેદરકારીનો આક્ષેપ મુકાયો છે. છેલ્લા બે દિવસમાં બે હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવારમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો અને હવે આવો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.

પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં આજે મોડી રાતે કોરોનાની સારવાર દરમિયાન એક મહિલાનુ મોત થયા બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મૃતક વૃદ્ધાની દીકરીએ આક્રંદ કરતાં જણાવ્યું હતું કે ‘આ શ્રીજી હોસ્પિટલને બંધ કરો; મારી માને મારી નાખી, આ વીડિયો નીતિન પટેલ સુધી પહોંચાડો’.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં માંજલપુરના 60 વર્ષનાં ગજરાબેન બારિયા કોવિડની સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ એક સપ્તાહથી સારવાર હેઠળ હતાં. બુધવારે રાતે તેમનું એકાએક મોત નીપજતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી જણાવ્યું હતું કે બુધવારે સાંજે ગજરાબેન સાથે વાતચીત થઈ હતી. તેઓ સ્વસ્થ હતાં. અગાઉ વેન્ટિલેટર પર હતાં, પરંતુ ત્યાર બાદ તેઓ સ્વસ્થ થયાં હતાં અને નોર્મલ હતાં.

પરંતુ રાતે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે ગજરાબેનની હાલત ક્રિટિકલ છે. ત્યાર બાદ હોસ્પિટલમાં પહોંચી જોતાં તેઓ મૃત હાલતમાં હતાં. તબીબોએ તેમને પરત વેન્ટિલેટર પર મૂક્યાં છે, તેની જાણ મોડા કરી હતી અને તબીબ ગંભીર દર્દીને જોવા પણ નહીં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, તબીબે તમામ આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

મૃતક વૃદ્ધાની દીકરી બેલા બારિયાએ જણાવ્યું હતું કે પોણાછ વાગ્યે મેં વાત કરી, મમ્મીએ કહ્યુંઃ મને સારું છે, બે કલાક પહેલાં ફોન આવ્યો કે વેન્ટિલેટર પર મૂક્યાં છે. સિરિયસ છે. મેં દેવું કરીને સારવાર કરાવી છે. રોજની 20 હજારની દવા છે. 10 હજારના રિપોર્ટ કરે છે. આઇસીયુમાં જવા દેતા નથી. દોઢ લાખ રૂપિયા મેડિકલના ગયા છે અને અઢી લાખ રૂપિયા ભરવાના છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા ભાઇ પીપીઇ કિટ પહેરીને હોસ્પિટલની અંદર ગયા તો વેન્ટિલેટર ચાલુ હતું. પણ મારી મા મરી ગયેલી હતી. આ લોકો જુઠ્ઠું બોલ્યા, મારી મમ્મીને આ લોકોએ ક્યારની મારી નાખી હશે અને હવે ફોન કરીને કરે છે કે વેન્ટિલેટર પર છે. રૂપિયા લઇને કોઇ બચાવતું નથી. આ હોસ્પિટલને બંધ કરાવી દો. દર્દીને મારી નાખે છે. આ લોકો સારવાર કરતા નથી. કોઇ ડોક્ટર હાજર હોતા નથી. નીતિન પટેલ સાહેબ તમે જે કાયદો કાઢ્યો છે, જે મફતના રૂપિયા લે છે તેની સામે કેસ કરો. મેં કેસ કર્યો છે. નીતિન પટેલ સુધી આ વીડિયો પહોંચાડો. આ હોસ્પિટલને બંધ કરાવી દો.

 70 ,  1