ભારતમાં કોરોનાનો સેકેન્ડ વેવ ? છ રાજ્યોમાં વધી રહ્યા છે કેસો

કોરોનાએ ફરી ઉથલો મારતા CM ઉદ્ધવ ઠાકરે લોકડાઉનની ચેતવણી ઉચ્ચારી

દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસો વધ્યા છે. મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ સહિત છ રાજ્યોમાં કેસો વધ્યા છે. ગઇકાલે દેશમાં 14 હજાર કેસો સામે આવ્યા છે. જે 10 હજારની નીચે આવતા હતા.સીએમ ઠાકરેએ મહામારી સામે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો માસ્ક નહીં પહેરો તો ફરી લોકડાઉન આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો, ના છુટકે સરકારે લૉકડાઉન લાગુ કરવું પડશે.

એટલુ જ નહીં મહારાષ્ટ્રમાં સંક્રમણ વધતા આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો.

જોકે એક સપ્તાહ સુધી સ્થિતિની સમીક્ષા કરાશે. જો લોકો માસ્ક પહેરવા અંગે બેદરકાર રહેશે તો ઠાકરેએ લોકડાઉન લાગુ કરવાની ચીમકી આપી છે. કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે.

આ પ્રતિબંધ આગામી એક માર્ચ સુધી અમલી રહેશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા-કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે.

રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ નોંધાયા, હાલમાં 1,690 એક્ટીવ કેસ

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિત 6 મહાનગરોમાં મતદાન પ્રક્રિયા 21 ફેબ્રુઆરીએ સંપન્ન થઈ છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફરી વધતું દેખાઈ રહ્યું છે જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ વણસતાં સરકાર આકરા પગલા લેવા જઈ રહી છે. આ તરફ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અઢીસો કેસ નોંધાતા તે એકાએક પોણા ત્રણસોને પાર થઈને 283 નોંધાયા છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

ઉત્તરાયણ પછી કોરોનાના કેસમાં સંભવિત કેસની સંખ્યા નિયંત્રણમાં રહેતા તંત્રએ રાત્રિ કર્ફ્યૂમાં થોડી વધુ રાહત આપી હતી અને સ્થાનિક ચૂંટણીની તૈયારી હાથ ધરી હતી. આ કારણે લોકોની ભીડ અને રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારમાં કોરોનાની ગાઈડલાઈન્સના સરેઆમ ઉલ્લંઘનથી હવે ક્રમશઃ ફરી કોરોના સંક્રમણ વકરે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં અમદાવાદમાં એકસાથે 68 કેસ નોંધાયા છે. 1 અને 2 ફેબ્રુઆરીએ શહેરમાં અનુક્રમે 63, 60 કેસ નોંધાયા બાદ આટલા દિવસમાં પહેલીવાર એકસાથે શહેરમાં 66 અને ગ્રામ્યના 2 મળીને કુલ 68 કેસ નોંધાયા છે. જો કે, કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

આ જ રીતે વડોદરામાં 65 કેસ નોંધાયા છે જેમાંથી શહેરી વિસ્તારના 57 કેસ છે. સુરતમાં 47 અને રાજકોટમાં 22 કેસમાં 16 શહેરના છે. આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નવા 9 કેસ, જામનગરમાં 7, ભાવનગર અને જૂનાગઢમાં 3-3 કેસ નોંધાયા છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર