ભ્રષ્ટાચારી અધિકારીઓ બેકાબુ..! એક જ દિવસમાં ACBની ત્રણ ટ્રેપ સફર

ACBએ ત્રણ જુદી-જુદી ટ્રેપમાં ભ્રષ્ટાચારીઓને શિખડાવ્યો સબક

રાજ્યમાં એક જ દિવસમાં ACBની ત્રણ ટ્રેપ સફર રહી હતી. જેમાં લાંચ લેતા સરકારી બાબુઓ ઝડપાયા હતા. અમદાવાદમાં કોન્સ્ટેબલ, આણંદમાં એમજીવીસીએલનાં નાયબ ઈજનેર તેમજ નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રૂપિયા 80 હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા છે. હેડ કોન્સ્ટેબલે નવા વાડજ પોલીસ ચોકીમાં આવેલી અરજીમાં એસીબીના ફરિયાદીને અરજીમાં તપાસના કામે હેરાન ન કરવા તેમજ અરજીની તપાસમાંથી નામ કાઢી નાખવા બદલ લાંચ માગી હતી. જે લાંચની રકમ આપવા ન માગતા હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણને રૂપિયા હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા.

એસીબીમાં ફરિયાદ કરવા આવેલા ફરિયાદી સામે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. જે અરજીની તપાસ નવા વાડજ પોલીસ ચોકી ખાતે ચાલતી હતી. જેમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણે ફરીયાદીને અરજી તપાસના કામે હેરાન નહીં કરવાના અને ફરિયાદીનું નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા લાંચ પેટે રૂ. 80 હજારની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી આજે નવાવાડજ પોલીસ ચોકીમાં લાંચના છટકાનું આયોજન કરી લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા.

આણંદના તારાપુરના MGVCLનાં નાયબ ઈજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાયા

આણંદ જિલ્લાના તારાપુરની એમજીવીસીએલનાં નાયબ ઈજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના વલ્લી ગામે કમળની ખેતી માટે ખેડૂતએ વીજ કનેકશનની માંગણી કરી હતી. જે અંગે તારાપુરની MGVCLની કચેરીના ડેપ્યુટી ઈજનેર ડી એમ. વસૈયાએ સ્થળ તપાસ કરી ખેતી વિષયક વીજ જોડાણ મળી શકે તેમ નથી તેવો અભિપ્રાય આપ્યો હતો. 

જો વીજ જોડાણ જોઈતું હોય તો બે લાખની લાંચ આપવી પડશે તેવી માંગણી કરી હતી. અંતે રકજકના અંતે લાંચની રકમ 60 હજાર નક્કી થઈ હતી અને તે માટે ખેડૂતએ  આણંદ ACB નો સંપર્ક સાધતા ACB એ તારાપુરની MGVCL કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કરતા નાયબ ઈજનેર ડી એમ વસૈયા 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. રંગેહાથ લાંચ લેતા પકડાઈ જતા ACB પોલીસે ગુનો નોંધી નાયબ ઇજનેરની ઘરપકડ કરી હતી.

આંકલાવ નાયબ મામલતદાર 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

જિલ્લાનાં આંકલાવ મામલતદાર કચેરીમાં એ.સી.બીએ લાંચનાં છટકાનું આયોજન કરી લાંચીયા નાયબ મામલતદારને 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. આંકલાવ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજાએ બામણગામનાં એક ખેડુત પાસેથી રેકર્ડ પર હક્કી કમીની એન્ટ્રી કરવા માટે દસ હજારની માંગણી કરી હતી. અંતે ચાર હજારમાં નક્કી કરાયું હતું. 

જે પૈકી બે હજાર અગાઉ આપ્યા હતા અને બાકીનાં બે હજારની લાંચની માંગણી કરી હતી. જેથી ખેડુતે આ અંગે એસીબીનો સંપર્ક કરી લાંચની માંગણી અંગેની ફરીયાદ નોંધાવતા વડોદરાની એસીબી પોલીસે આજે આંકલાવ મામલતદાર કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. જેમાં નાયબ મામલતદાર ઈધરા વિભાગનાં ટોયલેટમાં  ખેડુત પાસેથી બે હજારની લાંચ લઈ તેમાંથી 500 રૂપિયા પરત આપીને 1500 રૂપિયાની લાંચ લેતા લાંચનાં છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

 75 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી