અમદાવાદના રસ્તાઓ અને બ્રીજમાં ભ્રષ્ટાચારના ગાબડાં..!

માત્ર રોડ જ નહીં આખી ભાજપ સરકાર જ ગુજરાત માટે ડેન્જર – અર્જૂન મોઢવાડિયા

ગુજરાતના વિકાસની એક સમયે ઓળખ બનેલા રસ્તાઓ આજે લોકોની કમર તોડી રહ્યાં છે. ગુજરાતના રસ્તાઓની દેશભરમાં સરહના થઈ રહી હતી અને તેના આધારે ગુજરાતના રોડ મોડલને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે દરેક ગુજરાતી રસ્તાઓની સ્થિતિ જોઈને તેના પર શરમ અનુભવી રહ્યો હશે. થિંગડા મારીને ગુજરાત સરકાર સારા રસ્તાઓ હોવાનો ઢોંગ ચલાવી રહી છે. અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર વટવા બ્રીજની હાલત જોઈ એવું ચોક્કસ લાગશે કે સરકાર નક્કી મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે.

હાથીજણ સર્કલથી સરખેજ વચ્ચે આવેલા બ્રીજ પર દૈનિક હજારો વાહનો પસાર થાય છે. અને બ્રીજમાં હાલ આ વાહનોની વજન સહન કરવાની ક્ષમતા નથી. બ્રીજની હાલત એવી છે કે, બ્રીજ બનાવતી વખતે જે સિમેન્ટ અને ડામર ભરવામાં આવ્યો હતો તે ઉખલી જઈ મોટો મોટા ગાબડાઓ પડી ગયા છે. બ્રીજમાં લોખંડના સળિયા ખુલ્લા જોવા મળી રહ્યાં છે. બ્રીજની સ્થિતિ ખૂબ જ દયનિય બની ગઈ છે. બ્રીજ હવે સામેથી સમારકામ કરવાની માગણી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં ના તો ગુજરાત સરકાર, કે હાઈવે ઓથોરિટી આ બ્રીજની સમારકામ કરવાની તસ્દી લઈ રહી છે.

બ્રીજની સ્થિતિને લઈ કોંગ્રેસ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ રોડની સ્થિતિના ફોટો ટ્વીટર પર પોસ્ટ કરી સરકારની કામગીરીની પોલ ખોલી હતી. મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર ક્યા આધારે વિકાસની વાતો કરે છે. જો વિકાસ કર્યો હોય તો તેની જાળવણી પણ એ સરકારે કરવી જોઈએ. હાલમાં અમદાવાદમાં પસાર થતી વખતે સાવધાની પૂર્વક વાહનો ચલાવવા પડે નહી તો ગમે ત્યારે કોઈ ખાડામાં પડી જવાથી લોકો પર જીવનું જોખમ ઉભુ થાય તેવું છે.

અર્જુન મોઢવાડિયાએ કટાક્ષ કરતા જણાવ્યું કે, AUDA અને રાજ્યની ભાજપ સરકારે મળીને વટવા રેલવે ઓવરબ્રીજ ઉપર મોટા ખાડાઓ અને લોખંડના સળીયા રૂપી યમરાજ હાજર રાખેલ છે. બ્રીજના સળીયા તો ઠીક સીલીંગ પણ ખુલ્લી કરી દેવામાં આવેલ છે. જેથી અકસ્માતથી મોતની સંખ્યા વધારી યમરાજનો ટાર્ગેટ પુરો કરી શકાય. રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ/ચાર મહિનામાં તુટી જાય છે.

ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં જે નવા વિસ્તારો ભળ્યા છે, તેમાં વિકાસ કાર્યોના નામે માત્ર ભ્રષ્ટાચાર થયા છે, કામ તો લોટ, પાણી અને લાકડા જેવા જ થાય છે. જેથી લોકોની હાલાકી ત્યાંની ત્યાં જ રહેશે.

સ્માર્ટ સિટિના નામે ફળવાયેલ અબજો રૂપિયાની ગ્રાંટનો ઉપયોગ ક્યાં કરાયો તેનો કોઈ હિસાબ નથી! એટલે વાસ્તવમાં ગુજરાત માટે આ રોડ જ નહીં, આ રોડના નામે ભ્રષ્ટાચારનું મોડલ વિકસાવ્યું છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી