જેતપુરમાં ગૌ વંશ ખતરામાં : સાડી ઉદ્યોગના પ્રદુષણને કારણે ગાયોને પગમાં રોગ

જવાબદાર તંત્ર જો કોઈ ચોક્કસ પગલાં નહિ લે તો ઉગ્ર વિરોધના સુર રેલાય તો નવાઈ નહી

ભાદર નદીને પ્રદૂષિત કરનારો જગ વિખ્યાત જેતપુરનો સાડી ઉદ્યોગ અબોલ પશુઓને પણ કનડગત કરતો હશે તેવું લગભગ હજુ સુધી ક્યાંય પ્રકાશમાં આવ્યું નહિ હોય. મોટા મોટા પ્રોસેસ હાઉસ/ કારખાનાઓમાંથી નીકળતા ઝેરીલા કેમિકલયુક્ત પાણી જ્યારે તમામ નીતિ નિયમોને નેવે મૂકીને ખુલ્લી જમીનો પર વહાવી દેવામાં આવે છે. ત્યારે તેનો ભોગ ચો પગા પ્રાણીઓ બનતા હોય છે.

નિયમોની ઐસી કી તૈસી કરતા દિવસ રાત ધમધમતા જેતપુરના ચાંપરાજપુર રોડ તેમજ ભોજાધાર વિસ્તારમાં આવેલા અમુક સાડીના કારખાનાઓ માંથી નીકળતા પ્રદૂષિત પાણી, મનાઈ હોવા છતાં પણ ફિલ્ટર પ્લાન્ટની ચેનલોમાં છોડવામાં આવે છે. જેના લીધે પ્રદૂષિત પાણીના ધસમસતા પ્રવાહો જાહેર રોડ ઉપર પણ ફરી વળવાના કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા હતા. તેમ છતાં કોઈની લાજ શરમ રાખ્યા વિના પ્રદુષણ માફિયાઓ ભાદર નદીની સાથે સાથે ગાય જેવા અબોલ જીવોની પણ દરકરાર રાખ્યા વિના આ વિસ્તારના ગાય જેવા પ્રાણીઓને હંમેશને માટે લુલા બનાવી લાચાર બનાવી દે છે.

પ્રદૂષિત પાણીમાં ફરતી અહીંની ગાયોના પગની ખરીમાં એક ગંભીર રોગ જોવા મળે છે. પ્રદૂષિત પાણીમાં ફરવાને કારણે તેની ખરી સડી જાય છે અને સાથે સાથે ચામડીની ગંભીર સમસ્યા થાય છે જેને લીધે ગાયોને જીવતે જીવ મર્યા જેવી હાલતમાં પાંજરાપોળ કે ગૌશાળાઓમાં રિબાવવું પડે છે. હિન્દુ ધર્મમાં ગાયોને વિશેષ સ્થના આપવામાં આવ્યું છે.ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાના સુર પણ સૌના કાને પડ્યા જ હશે પરંતુ આ બધાની વચ્ચે પ્રદૂષણના લીધે ગૌ વંશોની આવી દયનિય હાલત બનશે તે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

ઝેરીલા કેમિકલમાં ચાલવા, બેસવા કે પડ્યા રહેવાથી ગાયના પગની ખરીઓ માં એક ગંભીર રોગ જોવા મળી રહ્યો છે.જેમાં ગાયની ખરીઓ સડી જાય છે અને પગની ચામડીમાં કાયદેસર ઘાવ પડી જાય છે. આવી કફોડી હાલતમાં ગાય પોતાના પગ ઉપર ઉભી પણ નથી રહી શકતી અને લાચાર બની જાય છે. પ્રાણીઓની ટેવ પ્રમાણે વાગેલા ઘાવને તે ચાટતા હોય છે અને તેને કારણે કેમિકલ સિધુ જ મોઢામાં જતું રહે છે જેને કારણે અન્ય બીમારીઓને પણ નોતરે છે.અત્યંત દુર્ગંધ મારતા લોહી લુહાણ ગાયોના પગના દ્રશ્યો કોઈ પણને હચમચાવી દયે તેવા છે. પ્રદૂષણના લીધે અહીંના વિસ્તારના ગૌ વંશોની આવી હાલતથી ગૌ પ્રેમીઓ અને જીવદયામાં માનનારા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આંખ આડા કાન કરતું જવાબદર તંત્ર જો કોઈ ચોક્કસ પગલાં નહિ લે તો આવનારા દિવસોમાં ગૌ પ્રેમીઓ દ્વારા ઉગ્ર વિરોધના સુર રેલાય તો નવાઈ નહિ.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર