કામરેજના PI સહિત 10 પોલીસ કર્મી વિરુદ્ધ ACBમાં નોંધાયો ગુનો

કામરેજ PI સહિત 10 પોલીસકર્મી લાંચ મામલે ACBના સકંજામાં, તમામ વિરુદ્ધ ગુનો દાખલ

સુરતમાં પોલીસને ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. કામરેજના પીઆઇ સહિત 10 પોલીસકર્મીઓ સામે લાંચની માગણીનો ગુનો નોંધાયો છે. છેતરપિંડીના ગુનાને પતાવટ માટે 10 લાખની લાંચ માંગી હતી. જો કે રકઝક બાદ ત્રણ લાખ નક્કી હતા. ત્યારે આરોપીના ભાઇએ એસીબીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. દરમ્યાન પ્રાથમીક તપાસમાં પુરાવાઓના આધારે પીઆઇ સહિતના પોલીસકર્મીઓએ લાંચ માંગી હોવાનું જણાય આવતા તમામ દસ વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એસીબીનું છટકું નિષ્ફળ ગયા બાદ પણ એસીબીએ આ ગંભીર મામલાને પડતો નહીં મુકી ભ્રષ્ટ પોલીસ અધિકારી અને તેમના લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે તપાસ ચાલુ રાખી હતી. જેમાં તપાસ દરમિયાન બહાર આવેલી ચોંકાવનારી વિગત એવી છે કે, પોલીસે આરોપીને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખી પોલીસ કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે અમદાવાદ તપાસમાં લઈ જઈ ખોટું કર્યાનું પણ નોધાયું હતું. જયારે પોલીસ કર્મી જયેશ જયંતી નિરંજની અને અલ્પેશ મોતી દેસાઈએ લાંચની રકમ માંગ્યાનું પણ નોંધાયું છે. આ રીતે આરોપીની ગેરકાયદે અટકાયત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાંચ માંગી હતી.

ફરિયાદીના ભાઈને તારીખ 10-09-2020ના રોજ કામરેજ પોલીસ ઘરે આવીને છેતરપિંડીના ગુનામાં ઉપાડી પોલીસ મથકે લઇ ગઈ હતી. જોકે તે સમયે પોલીસ કર્મચારી જયેશભાઇ, અપેશભાઈ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ આવ્યા બાદ જેની અટકાયત કરી હતી. જોકે જે યુવાનની અટકાયત કરી હતી તેનો ભાઈ પોલીસ મથકે જતા તેના ભાઈને અન્ય ગુનાઓમાં નહીં ફસાવવા તથા તેની વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુના દાખલ નહીં કરવા તથા આ કેસ પતાવા માટે અટકાયતમાં લીધેલા યુવાનના ભાઈ પાસે પોલીસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી.

આખરે રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી કર્યા હતા અને પહેલો હપ્તો 13-09-2020ના રોજ રાત્રે યુવાનને ટિફિન આપવા આવે ત્યારે 1.20 લાખ અને બાકીના રૂપિયા બીજા દિવસે આપવાનું નક્કી કર્યું હતું. યુવાનના ભાઈએ આ લાંચની રકમ નહીં આપવા માંગતો હોવાને લઈને તેણે એસીબીમાં આ મામલે ફરિયાદ કરી હતી, જેથી એસીબીએ ફરિયાદ લઈએં લાંચની રકમ મામલે એક છટકું ગોઠવ્યુ હતું, પણ પોલીસ કર્મચારી રૂપિયા લેવા નહીં આવતા આ છટકૂ ફેલ ગયું હતું. જોકે આ મામલે એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમીક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો. જે તપાસના કામે એકત્રીત થયેલ દસ્તાવેજી પુરાવા, મૌખીક પુરાવા, વૈજ્ઞાનીક ફોનીક પુરાવા અને સાંયોગીક પુરાવાના આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું.

આ પોલીસ કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકાના ફરીયાદીના ભાઈને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો તેમજ ફરીયાદીના ભાઈને આરોપી કુલદીપદાન બારહટના કહેવાથી તા. 11-09-2020ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઇ અને સાગરભાઈ ફોરચ્યુનર કારમાં ગેરકાચદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઈ ગયા હતા તે પણ પ્રાથમીક તપાસ દરમ્યાન સામે આવ્યુ હતું .

કોણ કોણ આવ્યું એસીબીના સકંજામાં

પ્રાથમીક તપાસ દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાઓને ધ્યાને લેતાં પોલીસ કર્મચારી જયેશભાઈ અને અલ્પેશભાઈ દ્વારા લાંચના છટકાની ફરિયાદ કરનાર પાસે લાંચની માંગણી કરેલાનું સામે આવતા આજે એસીબી વિબાગ દ્વારા (1 ) જે.બી.વનાર, પીઆઇ, કામરેજ પો.સ્ટે . ( 2 ) પોલીસ કર્મચારી, જયેશભાઈ જયંતીભાઈ નિરજની( ૩ ) પોલીસ કર્મચારી, અલ્પેશભાઈ મોતીભાઈ દેસાઈ ( 4 ) હેડ પોલીસ કર્મચારી, કુલદીપદાન ગંભીરદાન બારહટ ( 5 ) પોલીસ કર્મચારી, દિપકભાઈ હરગોવિદભાઈ દેસાઈ ( 6 ) પોલીસ કર્મચારી, જચદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ ( ૭ ) એ.એસ.આઈ. ચંદાબેન સુનીલભાઇ પાચાભાઈ વસાવા ( ૮ ) એ.એસ.આઇ. સુશીલાબેન જીતભાઈ રાવલ ( 9 ) એ.એસ. આઈ. સરદારભાઇ ધીરાભાઈ ભગૌરા ( ૧૦ ) જી.આર.ડી. સાગરભાઈ ભગવાનભાઈ સાકરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એ.એસ.આઈ. સરદારભાઇ ધીરાભાઈ ભગૌરા. જી.આર.ડી. સાગરભાઈ ભગવાનભાઈ સાકરીયાની પોલીસે અટકાયત કરી છે અને બાકી તમામ લોકો પોલીસ પકડથી હજુ દૂર છે.

 56 ,  1