AMTS-BRTS સેવા બંધ થતા રીક્ષામાં ભીડ જામી, બેફામ વસૂલે છે ભાડું

બસો બંધ થતાં રિક્ષાચાલકોની લૂંટ શરૂ, મોં માગ્યું ચૂકવી રહ્યા છે ભાડું

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે આજે કેસની સંખ્યા અમદાવાદમાં 270ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

AMTS અને BRTS બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. વહેલી સવારે નોકરીયાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. AMCના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ રહેશે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. અમદાવાદની AMTS અને BRTS સેવા બંધ આજથી બંધ કરાઈ છે. સાથે જ આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધ રહેશે. આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ રહેશે.

પરીક્ષા ટાણે જ નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા

શહેરમાં કોરોનાનો કહેર વધતા તાત્કાલિક અસરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ટાણે જ આ પ્રકારનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા કરતા પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે વિદ્યાર્થીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે. પરીક્ષા સમયે જ સીટી બસો બંધ કરવાના નિર્ણયનો વિરોધ વિદ્યાર્થી સંગઠનોએ નોંધાવ્યો છે.

બસો બંધ થતાં રિક્ષાચાલકોની લૂંટ શરૂ

આજથી AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.

 89 ,  1