રાજ્ય સરકાર દ્વારા અધિકારીક રીતે જાહેર કરવામાં આવ્યું છે કે વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. ‘વાયુ’ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે. જેને લઈ રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત 10 જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.
રાજ્યભરમાં બપોર સુધીમાં 1,23,550થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં 1,216 જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતિને પગલે ઉત્પન્ન થયેલ ચક્રવાત વાયુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં 14 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમજ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે.
38 , 1