દહેગામ : છેલ્લા 15 વર્ષથી ફરાર હત્યારાને પોલીસે ઝડપી લીધો

મંદિરના ચોકીદારની હત્યા કરી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ મૂર્તિની ચલાવી હતી લૂંટ

દહેગામમાં છેલ્લા 15 વર્ષથી ફરાર હત્યા અને લૂંટના ગુનેગારને પોલીસે દબોચી લીધો છે. વર્ષ 2006માં અમદાવાદ રોડ પર આવેલ ઉમિયા માતાના મંદિરના ચોકીદારની હત્યા કરી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ મૂર્તિની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, દહેગામ શહેરના અમદાવાદ રોડ પર આવેલા ઉમિયા માતાજીના મંદિર ખાતે તા.26 ફેબ્રુઆરી 2006માં મંદિરના ચોકીદાર બાબુભાઈ દેવશીભાઈ પટેલને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી તેમનું મોત નીપજાવી મંદિરમાંથી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ 600 ગ્રામ વજનની ચાંદીની મૂર્તિની લૂંટનો બનાવ બન્યો હતો જે બનાવ દહેગામ પોલીસ દફતરે નોંધાયો હતો.

આ ગુનામાં સામેલ 10 આરોપીઓ વર્ષ 2008,2011 અને વર્ષ 2019માં ઝડપી લેવાયા હતા જ્યારે આ ગુનામાં સામેલ ઠારૂભાઈ ઉર્ફે બાબુભાઈ કાળાભાઈ ભટ્ટી(સિંધી) (રહે-રાણીસર ગામ તા. સાંતલપુર જિ.પાટણ) વાળો નાસતો ફરતો હોવાથી વારાહી પોલીસે તેને ઝડપી લઈ દહેગામ પોલીસને સોપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 19 ,  1