દહેગામ : સાંપા ગામમાં ત્રણ યુવકોના તળાવમાં ડૂબી જવાથી મોત

બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવકોના મોતથી પંથકમાં અરેરાટી

લાંબી શોધખોળ બાદ વહેલી સવારે ત્રણેય યુવકોના મળ્યા મૃતદેહ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામમાં આવેલ તળાવમાં મોડી રાતે ન્હાવા પડેલા બે સગા ભાઇ સહિત ત્રણ લોકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. સાંપા ગામના ચાર યુવકો સહિત છ લોકો તળાવ કિનારે મોડી રાતે જમાવા ગયા હતા. આ દરમિયાન બે યુવકો ન્હાવા પડ્યા હતા. જો કે અચાનક પાણીમાં ગરકાવ થતાં અન્ય એક યુવક બચાવવા પડતા ત્રણેય યુવકો ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગામજનો તળાવ કિનારે એકઠા થઇ યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે કોઇ પત્તો ન લાગતા રખિયાલ પોલીસને જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન, પોલીસે તરવૈયા લઇ શોધખોળ હાથ ધરતા સવારે ત્રણેય મૃતદેહો મળી આવ્યા હતા.

વિગત મુજબ, દહેગામ તાલુકાના સાંપા ગામમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. તળાવમાં ડૂબતા બે સગા ભાઇઓ સહિત ત્રણ જુવાન જોધ યુવકોના મોત થયા હતા. મોડી રાતે ગામમાં રહેતા ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત કુલ છ લોકો તળાવ કિનારે જમવા ગયા હતા. આ દરમિયાન સંજય ગોવિંદભાઇ પટેલ તેમજ કુલદિપ અંબાલાલ પટેલ ન્હાવવા પડ્યા હતા. અચાનક પાણીમાં ડૂબવા લાગતા કુલદિપનો ભાઇ યોગેશ અંબાલાલ પટેલ બચાવવા પાણીમાં કુદ્યો હતો. જો કે ઉંડા પાણીના વહેણમાં ત્રણેય યુવકો ગરકાવ થઇ ગયા હતા. તો બીજી તરફ તળાવ કિનારે બેઠેલા જગદિશ ભાઇ પટેલ, સંજય ગોંવિદભાઇ પટેલ, તેમજ અન્ય સંબંધી ગામમાં આવી સમગ્ર ઘટનાને વાકેફ કરતા આખું મોડી રાતે તળાવ કિનારે દોડી આવ્યું હતું. આ દરમિયાન લાંબી શોધખોળ બાદ પણ કોઇ પત્તો ન લાગતા નજીકના રખિયાલ પોલીસને જાણ કરી હતી.

આ અંગેની જાણ થતાં જ રખિયાલ તરૈવયાઓને લઇ સ્તળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે વહેલી સવારે ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ એક જ પરિવારના બે સગા ભાઇઓ સહિત ત્રણ લોકોના મોતથી પરિવારમાં ગમગીનનો માહોલ છવાયો હતો.હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી