ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

વર્ષોની સરકારી સેવા બાદ નિવૃત્ત થતા અધિકારી-કર્મચારીઓને નિયમોનુસાર સમયસર પેન્શન મળતુ થાય તે ઇચ્છનિય છે. ત્યારે આવી બાબતોમા સંબંધિત કચેરીઓને સંવેદનશીલતા સાથે આવા કેસોમા નિર્ણય લેવાની હિમાયત કરતા ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત જિલ્લામા ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની સુપેરે અમલવારી કરવાની હિમાયત કરતા કલેક્ટરએ ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત હાથ ધરાઇ રહેલી ડે ટુ ડે ની કામગીરીની વિગતો મેળવી હતી. વેક્સિનેશનની કામગીરી માટે વિશેષ જવાબદારી વહન કરતા જિલ્લાની જુદી જુદી કચેરીના અધિકારીઓ એવા નોડલ ઓફિસરોને તેમના હસ્તકના ગામોની કામગીરીનો રિવ્યુ લેતા કલેક્ટર પંડયાએ સંબંધિત ગામોમા સો ટકા વેક્સિનેશન થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. નોડલ ઓફિસરોને તેમના ગામોની નિયમિત મુલાકાત લઈ પ્રજાજનોને જાગૃત કરવાની પણ તેમણે સૂચના આપી હતી.

વેકસીનેશનની કામગીરીમા છેલ્લા બે માસ દરમિયાન જે ગતિ આવી છે તે ખરેખર સરાહનીય છે તેમ જણાવતા કલેક્ટરએ ખાસ કરીને સુબિર તાલુકામા જિલ્લાની ટીમ ઉતારીને મહત્તમ લોકો સુધી પહોંચીને કામગીરી પૂર્ણ કરવાનુ આયોજન કરવાની સૂચના આપી હતી.

આજની તારીખે જિલ્લાના ૭૭ ગામોમા વેક્સિનેશનની સો ટકા કામગીરી પુર્ણ કરવામા આવી છે. જ્યારે દિવાળી અગાઉ વધુમા વધુ ગામોમા લક્ષપૂર્તિ કરવાની પણ તેમણે સૂચના આપી હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમા એ.જી.ઓડિટના બાકી પેરાઓ, સરકારી નાણાંની વસૂલાત, બાકી તુમાર, નાગરીક અધિકાર પત્ર, માહિતી અધિકાર અધિનિયમ, વીજળીકરણ, ગ્રામસભાના બાકી પ્રશ્નો, સ્વાનત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામા આવી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિતે સંકલનના તમામ અધિકારીઓને તેમની માસવાર કામગીરીની વિગતો નિયત સમયે મોકલી આપવા જણાવ્યુ હતુ, કે જેથી રાજ્ય કક્ષાએ મોકલવાની થતી માહિતીમા બિનજરૂરી વિલંબ નિવારી શકાય. ગાવિતે જુદી જુદી સરકારી કચેરીઓની જમીન/મકાનની પડતર અરજીઓ બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન આપી, આવા કેસોને અગ્રિમતાના ધોરણે હાથ ઉપર લેવાની સૂચના આપી હતી.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ એ પણ ઉપયોગી સૂચનો કરીએ માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. આ બેઠકમા પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિકારી જે.આઇ.વસાવા, સબ ડી.એફ.ઓ. સર્વશ્રી રોહિત ચૌધરી અને ટી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત, જિલ્લાના કાર્યપાલક ઇજનેરઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી