દાણીલીમડા પોલીસે 3500 કિલો સરકારી અનાજ સાથે સંચાલક સહિત 3ની ધરપકડ કરી

કૌંભાડમાં અન્ય લોકોની સંડોવણી અંગે પોલીસ તપાસ શરૂ

સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ફરી ઝડપાયું

શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે દાણીલીમડા પોલીસે 3500 કિલો સરકારી અનાજ સાથે રાશનની દુકાનના સંચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ સરકારી અનાજ બારોબાર વેચીને ગરીબો અને સરકાર સાથે છેતરપિંડી કરી કૌભાંડ આચરતા હતા. આ મામલે પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.

દાણીલીમડા પોલીસ ઢોર બજાર પાસે પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે એક બોલેરો ગાડીમાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે કોઈ જગ્યાએથી ભરી બહેરામપુરા તરફથી પસાર થવાનો છે. બાતમીનાં આધારે ગાડીને રોકીને તપાસ ગાડીમાં વાહન ચાલક અરૂણ શર્મા તેમજ તેની સાથે રાજકુમાર ગુપ્તા ગાડીમાં સવાર હતા. ગાડીની પોલીસે તપાસ કરતા પાછળનાં ભાગે સફેદ કલરની કોઈ પણ લખાણ કે માર્કા વગરની પ્લાસ્ટીકની થેલીઓમાં ધઉં ભરેલા જોવા મળ્યા હતા. જે જથ્થાનાં કોઈ બીલ કે આધાર તેઓ રજૂ કરી શક્યા નહોતા. તેમજ સરકારી માર્કાનાં 70 બારદાન ખાલી જોવા મળ્યા. જેથી પોલીસે પુરવઠા અધિકારીને ફોન કરીને બોલાવ્યા તેમજ આ જથ્થો સરકારી અનાજનો હોવાનું ખુલ્યુ હતુ.

50 કિલોની એક બોરી લેખે 3500 કિલો અનાજ જેમાં એક કિલો ધઉંની 21 રૂપિયા કિમત લેખે 73 હજારથી વધુની કિંમતનો આ અનાજનો જથ્થો હોવાનુ સામે આવ્યુ. વાહનમાં સવાર બન્ને શખ્સોને પુછતા આ અનાજનો જથ્થો બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 9-10ની સામે, રાજુ એપાર્ટમેન્ટની નીચે આવેલા ન્યૂ પ્રકાશ સહકારી ભંડાર નામની સસ્તા ભાવની અનાજની દુકાનનાં સંચાલક રાજેન્દ્રસિંહ રાજપૂત પાસેથી ગેરકાયદેસર રીતે ખરીદી આ ધઉંનો જથ્થો સનાથલમાં ભોલેનાથ ફ્લોર મીલનાં માલીક ભુરાભાઈ પ્રજાપતિને પહોંચાડવાનો હોવાનું સામે આવ્યુ છે.

પોલીસે 3500 કિલો અનાજનાં જથ્થાને સીઝ કરીને અરૂણ, રાજકુમર અને રાજેન્દ્રની સામે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ગુનાના છેડા સરકારી અનાજના ગોડાઉન સુધી પહોંચે છે કે નહીં અને કોઈ સરકારી અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ અનાજનો જથ્થો લેનાર સનાથલના વેપારીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવા માં આવી છે.

 25 ,  1