રોગચાળા વચ્ચે AMC બેદરકાર..! દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર ભગવાન ભરોસે

છેલ્લા 3 દિવસથી નથી આવી રહ્યા બાળકોના તબીબ

અમદાવાદ કોર્પોરેશનની ફરી એકવાર બેદરકારી છતી થઇ છે. ચોમાસાની સીઝન પૂરી થતાં જ રોગચાળાએ માથુ ઉંચક્યું છે તેવામાં ખાસ કરીને બાળકો વધુ બિમાર પડી રહ્યા છે ત્યારે દરિયાપુરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં બાળકોની સારવાર માટે આવતા માતા-પિતા નિરાસા સાથે પરત ફરી રહ્યા છે. એટલું જ નહીં ત્રણ દિવસ સેન્ટરમાં લાંબી કતારો પણ જોવા મળી રહી છે. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલમાં વાયરલ થયો છે. જેમાં કેટલાંક માતા-પિતા બાળકોની સારવાર માટે લાંબી કતારોમાં નજરે ચડી રહ્યા છે. ત્યારે વાયરલ વીડિયોની હકિકત તપાસતાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી બાળકોની સારવાર માટે આવતા તબીબ ગેરહાજર છે. ત્યારે દરિયાપુરમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં એક તરફ શરદી-ખાંસી, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગોએ માથું ઉચક્યું છે. ત્યારે લોકોની સુખાકારી માટે મ્યુનિ. દ્વારા અસરકારક કામગીરી કરવાની જરૂર છે. પરંતુ તે કરવામાં મ્યુનિ. તંત્ર પાંગળું સાબિત થઈ રહ્યું છે.

દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકોના નિષ્ણાંત તબીબ આવતા જ ન હોવાના કારણે બાળકોની દવા લેવા માટે લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. ના છૂટકે લોકોને ખાનગી દવાખાનામાંથી દવા લેવાની ફરજ પડી રહી છે.

દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરમાં બાળકની દવા લેવા માટે 3 દિવસ સુધી ધક્કા ખાઈને કંટાળેલા SDPIના ઈર્શાદ શેખ અને નિઝામુદ્દીન મંસુરીએ જણાવ્યું કે, મારા દિકરાને શરદી-ખાંસી અને તાવ આવતો હોવાથી દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા ગયા હતા. સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા અને 9 વાગ્યે સ્ટાફે અમને જણાવ્યું કે બાળકોના તબીબ આજે આવવાના નથી. સળંગ 3 દિવસ સુધી અમને આવી રીતે લાઈનમાં ઉભા રાખી ધક્કા ખવરાવવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોએ ઉમેર્યું કે, હવે ના છૂટકે અમારે ખાનગી હોસ્પિટલમાંથી દવા લાવવી પડી રહી છે. અર્બન હેલ્થ સેન્ટરમાં અમારી જેમ ઘણા લોકો છે જેઓ બાળકોની દવા લેવા માટે દરરોજ હેરાન થઈ રહ્યા છે. જો તબીબ આવવાના ન હોય તો બહાર બોર્ડ મારી દે તો લોકો હેરાન થાય નહીં. વધુમાં ત્યાંનો સ્ટાફ પણ લોકો સાથે ગેરવર્તન કરતા હોવાનો સ્થાનિકે આક્ષેપ લગાવ્યો.

 159 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી