હિમાચલમાં આભ ફાટ્યું, પાણીમાં તણાયા વાહનો..

સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થયો

દેશમાં કુદરતની બેવડી નિતિ જોવા મળી રહી છે એક બાજુ દિલ્હી-NCRના શહેરના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ મેહુલીઓ અનરાધાર વરસી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. હિમાચલ પ્રેદશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં. અહીં ભાગસુનાગથી સામે આવેલા દ્રશ્યો હચમચાવી નાંખનારા છે જેમાં જોરદાર પાણીના પ્રવાહમાં ગાડીઓ પણ રમકડાની જેમ તણાતી જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર ભાગસુનાગનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં, જોઇ શકાય છે કે પાણીના જોરદાર પ્રવાહમાં વાહનો કેવી રીતે વહી રહ્યા છે. લોકો રસ્તાની બાજુમાં ઉભા રહીને વિડિયો બનાવી રહ્યા છે તેમજ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અચાનક જ વાદળ ફાટવાના કારણે અહીં નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે અને ભારે પ્રવાહના કારણે નદીઓએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એવામાં નદીઓની આસપાસ વસેલા તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન વિસ્તાર ભાગસૂમાં સોમવારે વહેલી સવારે વાદળ ફાટ્યું હતું. જેથી આવેલા પૂરના કારણે એક નાના નાળાએ અને નદીનું સ્વરૂપ ધારણ કર્યું અને નાળુ ઓવરફ્લો થયું હતું. જેમાં લક્ઝરી કાર સહિતના વાહનો વહી ગયા હતાં.

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ જિલ્લામાં વિજળી યમરાજ બનીને ત્રાટકી છે. યુપીમાં 41 લોકોનાં વીજળી પડવાથી મોત થયા છે જ્યારે રાજસ્થાનમાં 20 લોકોનાં મોત થયા અને એમપીમાં 7 જણના વિજળી પડવાથી મોત નિપજ્યા છે. આમ એક જ દિવસમાં કુલ 67 લોકોનાં મોત નિપજી ચૂક્યા છે.

 72 ,  1