ડાર્ક વેબ પર હાકલ- કોઇ ડેટા લ્યો….ડેટા…પાસવર્ડ સાથેનો ડેટા લ્યો …ડેટા…!!

લઇ લો…વહેલો તે પહેલો….. ! અને ભાવ છે મિનિમમ એક રૂપિયો એક ડેટાનો…..!!

બિગબાસ્કેટ ઇ-કોમર્સ કંપનીમાંથી 2 કરોડ ગ્રાહકોનો ડેટા એટલે કે માહિતી ચોરાઇ ગઇ….!!

ડેટાચોર પાછા પહેલાના સમયના ડાકુઓની જે જાસાચિઠ્ઠી સંદેશો મોકલે- તમારો ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકાયો છે…! બોલો..કેટલા આપો છો…

રબને તો પછી યાદ કરે છે ભોગ બનનાર કસ્ટમર …..! અરરર.. પેલા ફોટા ભી લીક થઇ જશે…??!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ઘણીવાર આપણને એવા ઇમેઇલ મળતા હોય છે કે જેને આપણે ઓળખતા પણ ના હોય અને જેને આપણે ક્યારેય પણ ઇમેઇલ મોકલ્યો ના હોય. તો પછી એ કંપની કે પેઢી પાસે આપણો ઇમેઇલ ક્યાંથી આવ્યો…? આપણાં મોબાઇલ ફોનમાં પણ ઘણીવાર એવા ફોન આવે કે જેને આપણે ઓળખતા પણ ના હોય ત્યારે એમ થાય કે આ શું છે…આપણો ઇમેઇલ પેલાની પાસે ક્યાંથી આવ્યો…?!

એક સમયે અને આજે પણ ખનિજ તેલ કિંમતી ગણાય છે. ખનિજ તેલના કદડાને રિફાઇન કરીને, શુધ્ધ કરીને તેમાંથી પેટ્રોલ-ડિઝલ, ડામર અને અન્ય બીજી બાયપ્રોડક્ટ અલગ કરીને વેચવામાં આવે છે. કદડાને શુધ્ધ કરવા માટે કામ કરનાર કારખાનુ એટલે રિફાઇનરી. જેમ કે રિલાયન્સની જામનગર ખાતેની રિફાઇનરી. આ રિફાઇનરીના માલિક કહે છે કે, આજના યુગમાં ડેટા એ તેલ સમાન છે. તેલ કહેતા ખનિજ તેલ. અને ડેટા એટલે આપણી માહિતીનો સંગ્રહ કે જે મોટી મોટી કંપનીઓમાં રોજે રોજ એકત્ર થાય છે અને પછી સમાચાર આવે કે બિગબાસ્કેટ ઇ-કોમર્સ કંપનીમાંથી 2 કરોડ ગ્રાહકોનો ડેટા એટલે કે માહિતી ચોરાઇ ગઇ….!!

આ ચોરાયેલી માહિતી હેકર્સ કે ડેટાચોર ડાર્ક વેબ પર તેને વેચવા માટે મૂકે છે….!! બોલો, છે ને મજાનું…!એક તો આપણો ડેટા ચોરાઇ ગયો અને પછી એ જ માહિતી-ડેટા ડાર્ક વેબ પર જાહેર હરાજીની જેમ વેચાણ માટે મૂકાય છે- કોઇ ડેટા લ્યો….ડેટા…..! સરસ મજાનો ડેટા….જેમાં બેંક એકાઉન્ટની માહિતી છે…. પાસવર્ડ છે અને બીજુ ઘણુ બધુ…! લઇ લો…વહેલો તે પહેલો….. ! અને ભાવ છે મિનિમમ એક રૂપિયો એક ડેટાનો…..!!

ડેટાચોર પાછા પહેલાના સમયના ડાકુઓની જે જાસાચિઠ્ઠી સંદેશો મોકલે- તમારો ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકાયો છે…! ત્યાંથી માલ ઉપાડી લેવાના લાખો ડોલર થશે..! બોલો શું કરવુ છે….? આપો છો કે પછી વેચી નાંખુ….?

અને કંપનીએ પેલા ડેટાચોરને ખંડણી આપી કે ના આપી એ તો બહાર આવતુ નથી પણ પછી જે તે કંપની ઠાવકાઇથી જાહેર કરે કે અમારો ડેટા હેક થઇ ગયો છે અને ડેટાચોર આટલા લાખ ડોલર માંગે છે, પણ અમે આપ્યા નથી અને ફરીથી ડેટા ના ચોરાય તી સુરક્ષાના પગલા લેવાઇ રહ્યાં છે….!!

અને આ રીતે ડાર્ક વેબ પર મૂકાયેલો ચોરાઉ ડેટા અન્ય કંપનીઓ ખાનગીમાં ખરીદી લે છે અને પછી એ ડેટાનો ઉપયોગ પોતાના ધંધાના પ્રમોશન માટે કરે છે..પેલો જે અજાણી કંપનીમાંથી જે ઇમેઇલ ઘણાંને મળે છે તે આ ચોરાઉ ડેટામાંથી માહિતી મેળવીને મોકલાય છે…..!! શું ડાર્ક વેબને રોકી ના શકાય…?? તો તેનો જવાબ નિષ્ણાતો એમ આપે ચે કે ડાર્ક વેબ ઇન્ટનેટની દુનિયામાં એ સૌથી ખતરનાક હિસ્સો છે કે જેને સર્ચ એન્જિન પણ બતાવતું નથી…ડાર્ક એટલે અંધારામાં કામ કરનાર વેબ. જેની જાણ હેકર્સને જ હોય છે.

ઘણીવાર એવા પણ આરોપ થાય છે કે જે તે કંપની જાતે જ ડેટા વેચીને રોકડી કરી લે. એ કંપનીએ તો એક જ કમાન્ડ આપીને લાખો ગ્રાહકોનો ડેટા સેન્ડ કરવાનું હોય છે અને પછી કહી દે કે અમારી વેબસાઇટ કે ઓનલાઇન એકાઉન્ટ હેક થઇ ગયો અને ગ્રાહકોનો ડેટા ચોરાઇ ગયો….!! પત્યું. કંપનીએ જાહેર કરીને હાથ કર્યા અધ્ધર અને પછી બીકના માર્યા જમીનથી બે ઇંચ અધ્ધર થાય છે એ ગ્રાહકો કે જેણે કંપની ઉપર વિશ્વાસ મૂકીને પોતાની તમામ માહિતી આપી દીધી હોય….!!

ચોરાઉ ડેટાની કિંમત એ રીતે નક્કી થાય છે કે ડેટા કોનો છે,…. જો સેલેબ્રિટીનો હોય તો ભાવ 500થી લઇને બે હજાર. અને કોઇ સામાન્ય યુઝર હોય તો માત્ર એક રૂપિયો….! ડેટા પેકેજમાં પણ વેચાય છે…પેકેજનો ભાવ રોજના 140 રૂપિયાથી લઇને 4,900 સુધીનો હોય છે… અને જેણે આ ડેટા ચોરીને વેચાણ માટે મૂક્યો તેને ખરીદનારાઓ પેલા ડેટાચોરને પેમેન્ટ બિટકોઇન, લાઇટકોઇન, ડૈશ, રિપલ અને ક્રિપ્ટોકરન્સીમાં કરે છે…! .કીસી કો કાનો કાન ખબર નકો….લેનાર અને વેચાનાર બે જણાં જ જાણે….! અને જેનો ડેટા છે એ ગ્રાહક….? નવી નવી કંપનીઓમાં પોતાની માહિતી આપ્યા કરે છે ઓનલાઇન ખરીદીમાં….!!

સરકાર તેને રોકી ના શકે….? જવાબ આપે છે ડીજીટલ સિક્યુરીટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના ચેરમેન વી. રાજેન્દ્રન. તેમનું કહેવું છે કે, ભારતમાં ડેટાના રક્ષણ માટે એટલે કે ગોપનીય માહિતી ગોપનીય જ રહે અને ડેટાચોરના હાથમાં ના જાય તે માટે કોઇ સજ્જડ કાયદો નથી અને એવી કોઇ સંસ્થા પણ નથી. માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 43-એની જોગવાઇ આ અંગે માત્ર નામ પુરતુ જ રક્ષણ આપે છે. તેને મજબૂત કરવાની જરૂર છે.

એમેઝોન, ફલિપકાર્ટ, બિગ બાસ્કેટ સહિત કેટલીય ઓનલાઇન કંપનીઓ કરોડો-કરોડોનું વેચાણ કરવાની સાથે ગ્રાહકોનો કિંમતી ડેટા પણ મેળવે છે. અલબત્ત મોટી કંપનીઓ ડેટા હેકને રોકવાના મજબૂત સાઇબરલક્ષી પગલા લે છે. છતાં બિગબાસ્કેટ ઇ-ગ્રોસરી કંપનીમાંથી 2 કરોડ ગ્રાહકોનો ડેટા ઉલાલા…ઉલાલા…ની જેમ ચોરાઇ ગયો અને કંપનીએ કહી દીધુ – ડેટા હેક થઇ ગયો છે..મૈં કિ કરા રબ….!

રબને તો પછી યાદ કરે છે ભોગ બનનાર કસ્ટમર …..!

ઓય રબ્બા,,,દેખણાં કહીં બેંક કા પાસવર્ડ લીક ના હો…ઔર વો હોટેલ વાલે ફોટો ભી…? મર ગયે….અગર વો લીક હો ગયે તો ઓય…ઓય….સિમરન મેરા હાલ કી કરેંગે…મેનુ પતા નહીં…..હું શ્રીફળ ધરાવીશ…..!!

ઉપાય એક જ દર્શાવે છે જાણકારો-

ઓનલાઇન વ્યવહારો બંધ કરો યા ઓછા કરો…

પેમેન્ટ ઓનલાઇન ટાળો…

ઇમેઇલ સહિતની માહિતી માંગે તો ટાળવી જોઇએ..

બેંકિંગ પાસવર્ડ કયારેય શેર નાકરશો….

પેલા ઉદ્યોગપતિએ સાચુ જ કહ્યુંછે કે ડેટા એ તેલ સમાન છે..કમાણીનું સાધન છે….!!

-દિનેશ રાજપૂત

 91 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર