ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર

19 ડિસેમ્બરે મતદાન, 21મીએ પરિણામ, આજથી આચારસંહિતા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં એટલે કે 19 ડીસેમ્બરે મતદાન યોજાશે જ્યારે 21 ડિસેમ્બરે મતગણતરી થશે તેમ ચૂંટણી પંચે આજે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10,117 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે, તેમાંથી 10 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. પંચાયત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છ સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી હતી.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી