હિંમતનગર: પોશીનાના છેવાડા ગામની દિકરીને શાળા આરોગ્ય કાર્યક્રમ થકી મળ્યું નવું રૂપ

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ એવો પોશીના તાલુકો અને એમાંય અંતરીયાળ ગામ એટલે સાધુફળો ગામ. ગામમાં છૂટક મજૂરી કરીને પેટીયુ રળતા મીરખાન ગમાર અને તેમની પત્ની સુમાબેન.

ગમાર દંપતિને ત્યાં દિકરી અવતરી એટલે જાણે ખુશીનો સમુદ્ર લહેરાયો પરંતુ આ ખુશી જાણે ક્ષણિક જ હોય એવુ તેમને દિકરીને હાથમાં લેતા વેંત જ થયું કારણ કે દિકરી જન્મ સાથે જ કપાયેલા હોઠ સાથે હતી. તેમની એટલી આર્થિક ત્રેવડ ન હતી કે મોટા શહેરમાં લઇ જઇને સર્જરી કરાવી શકે, જેમ જેમ સમય સરતો ગયોને દિકરી મોટી થતી ગઇ તેમણે મન મનાવી લીધુ કે હવે આનો કોઇ સારવાર શક્ય નથી

સુમાખાન ગમારની દિકરી મનિષા સાત વર્ષની થઈ ત્યા સુધી તે આ ખામી સામે ઝઝુમી રહી હતી પરંતુ જ્યારે શાળા આરોગ્ય અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ સાધુફળો પ્રાથમિક શાળામાં વિધાર્થીઓની તપાસ કરી ત્યારે મનિષાની ખામી ધ્યાને આવતા તેની પ્રાથમિક તપાસ થઈ. આરોગ્ય વિભાગની ટીમ આ બાળકીના ઘરે પહોંચી તેની વધુ જાણકારી મેળવી ત્યારે બાળકીના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ પોતાની બાળકીની સારવાર કરાવા અસમર્થ હોવાનુ માલુમ પડ્યું. તેઓને પોતાની બાળકીને કઈ ખામી છે તેની પણ સમજ ન હતી.

બાળકીની માતા સુમાબેન જણાવે છે કે તેઓ પોતાની મનિષાની આવી સ્થિતિ જોઇ ખુબ દુખી રહેતા હતા પરંતુ તેમની પાસે સારવારના પૈસા ન હોઇ અને તેઓ મનિષા માટે કાંઇ ન કરી શક્યા પરંતુ જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે આવી ત્યારે તેમને અને તેમના પતિ મીરખાનભાઇ ગમારને દિકરીની ખામી વિશે સમજણ આપી અને તે ખામી ઓપરેશન દ્રારા દુર થઈ જશે તેવું જણાવ્યું.

મનિષાની વધુ તપાસ માટે ક્લેફ્ટ લિપ કેમ્પ વડાલી ખાતે રીફર કરવામાં આવી ત્યાં મનિષાના બધા રીપોર્ટ કરવામાં આવ્યા અને રીપોર્ટ બાદ મનિષા ઓપરેશન માટે તંદુરસ્ત માલુમ થતાં તેના ઓપરેશન માટે અમદાવાદની જયદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મનિષાના પિતા જણાવે છે કે તેઓ ખુબ નિરાશ હતા તેમણે તો જાણ સુધ્ધા ન હતી કે આવી કોઇ સર્જરી પણ થતી હશે જે તેમની દિકરીને બીજી બાળકીઓની જેમ સુંદર કરી શકે.

તેઓ વધુમાં જણાવે છે કે દરેક માતા-પિતાની જેમ અમને પણ અમારી દિકરી જેવી હતી તેવી રૂપાળી લાગતી પરંતુ અમારી આંખો બંધ કરી દેવાથી દુનિયામાં અંધારૂ ન થઈ જાય. તેનો કપાયેલો હોઠ જોઇ અમે અંદરને અંદર ખુબ દુખી અને લાચાર હતા. પરંતુ આજે અમારી દિકરી ખુબ જ સુંદર અને રૂપાળી થઈ ગઈ છે અમે ખુબ ખુશ છીએ. અમે બધા પરીવાર જનો સરકાર અને ડૉકટરોના ખુબ ખુબ આભારી છીએ તેમને માત્ર અમારી દિકરીને જ નહી પરંતુ અમારા પરિવારને નવુજીવન આપ્યું છે. સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો ખરેખર છેક છેવાડાના માનવી સુધી પહોચ્યાં છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી