અદાણીની હોસ્પિટલમાં નવજાત શિશુ સાથે ઘોર અન્યાય..

જીવિત બાળકીને બદલે મૃત બાળક સોંપ્યો

ભુજની જીકે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલે જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દીધું હતું. જોકે દફનવિધિએ જતી વખતે પિતાને જાણ થઇ હતી કે, આ બાળકી નથી બાળક છે. અને બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા પિતાને પેટીમાં રાખેલું બાળક ગુજરી ગયાની જાણ કરાઈ હતી. જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દેવાતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હોસ્પિટલની ગંભીર બેદકારીને લઇ પરિવારજનો કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે એક પરિવારની સારવાર હેઠળની જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપી દેવાની ઘટના બનવા પામી હતી. બનાવને પગલે નારાજ પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરીએ અને ડીડીઓ કચેરીએ રૂબરૂ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી તેમજ મૃત બાળક કોનું એવો પ્રશ્ન પણ કરાયો હતો. બાદમાં અધિકારીના કહેવાથી મૃત બાળકને પરત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સુપરત કરવામાં આવ્યું હતું.

વિગત મુજબ, નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ ત્રણ દિવસ પૂર્વે તેમનાં પત્નીને પ્રસૂતિ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં તેને ઓપરેશન હેઠળ એક બાળકીનો જન્મ થયો હતો. આ બાળકીને સારવારની જરૂર હોઇ તેને શિશુ વિભાગમાં પેટીમાં રખાઈ હતી.

દરમિયાન આજે શુક્રવારે ચોથા દિવસે જી.કે. જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીના પિતા કરીમભાઇને તમારું બાળક ગુજરી ગયું હોઈ, લઈ જવાની જાણકારી આપવામાં આવી હતી. પિતાએ શિશુ બાળના મૃતદેહનો સ્વીકાર કરી પરિવારજનોને સોંપ્યો હતો. મૃતદેહને દફન વિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો કે બાળકીને બદલે બાળક છે. ત્યારે કરીમભાઇના પિતરાઈ ભાઈ અબ્દુલભાઈએ આ વિશે જાણકારી આપી તપાસ કરવાનું કહેતાં ખ્યાલ આવ્યો હતો કે તેમની બાળકી સલામત અને જીવિત છે.

હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું. તો તેમણે રાહતનો શ્વાસ લઈ ઉપરવાળાનો આભાર પણ માન્યો હતો, પરંતુ બેદરકારી બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું? એવા પ્રશ્ન અને નારાજગી સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી. અધિકારી દ્વારા હાલમાં બાળકના દેહને જી.કે.જનરલ હોસ્પિટલમાં સુપરત કરી આપવાનું કહેવાયું હતું.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી