કલોલમાં દુષિત પાણી પીવાથી પિતા-પુત્ર સહિત ત્રણના મોત, તંત્ર પાપે વકર્યો પાણીજન્ય રોગચાળો

ઝાડા-ઊલટી થતાં પિતા અને 3 વર્ષના પુત્રનું મોત

કલોલમાં ૫ાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. દુષિત પાણી પવાથી પિતા-પુત્રનું ઝાડા ઉલટી બાદ મોત થતાં હાહાકાર મચી ગયો હતો. છતાં બેદરકાર તંત્ર ઘોર નિદ્રામાં છે. કલોલ શહેરમાં આવેલાં રેલ્વે પુર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી દુર્ગંધ યુક્ત દુષિત પાણી આવે છે. આ વિસ્તારમાં આવેલાં છાપરાઓ તેમજ સ્લમ વિસ્તારમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજુઆતો પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર સાંભળવા તૈયાર નથી. જેના કારણે અહીં ગંભીર અને જીવલેણ પાણીજન્ય ઝાડા – ઉલ્ટીનો રોગચાળો ફેલાયો છે.

રેલવે પૂર્વના શ્રેયસના છાપરાં,ત્રિકમનગર, જે.પી.ની લાઠી, આંબેડકરનગર, દત્ત નગરમાંથી બે દિવસમાં ૯૦થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ મળ્યા છે. એટલું જ નહીં શ્રેયસના છાપરામાં રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ઉપરાંત એક જ પરિવારના પિતા-પુત્રનું આ ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં મોત નિપજ્યું છે. રોગચાળો ફેલાતાં આરોગ્યની ટીમે આ વિસ્તારમાં ઓપીડી ચાલુ કરી છે. જેમાં બે દિવસથી ૯૦થી પણ વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. રોગચાળાનું મુળ કારણ શોધવા માટે પાણી અને દર્દીના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિકોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે,  છેલ્લા 15 દિવસથી અહીં દૂષિત પાણી આવે છે, જે અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયાં ન હતાં, જેને પગલે રોગાચાળો ફાટી નીકળતાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળે છે, જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિકોએ ત્રણ મોત માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ખૂબ જ દુર્ગંધ મારતું તેમજ દૂષિત પાણી આવતું હોવા અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.

રોગચાળાની સ્થિતિને પગલે પાલિકાની આરોગ્યની 10 ટીમને દોડતી કરાઈ હતી. જે. પી.ની લાટીના છાપરા અને આસપાસના વિસ્તારોમાં પણ આરોગ્યની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી, જેમાં 1 હજાર ઘરોમાં ઓઆરએસ, જરૂરી દવાઓ અને પાણી શુદ્ધ કરવા માટે ગોળીઓ આપવામાં આવી હતી. કલોલ સિવિલ, પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ઘરે પણ લોકો સારવાર લઈ રહ્યા છે, જોકે બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોતને પગલે તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ છે.

 152 ,  3