દિલ્હી હાઇકોર્ટ લાલઘૂમ-કોણ છે એ અધિકારી..? લટકાવી દઇશું..! છોડીશું નહીં..

ઓક્સીજનની સપ્લાયના મામલે હાઇકોર્ટે પણ અનભવ્યુ હશે-બસ, હવે બહુ થયું..!

દેશની રાજધાની દિલ્હીમાં સતત પાંચમા દિવસે પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી છે. બે હોસ્પિટલો સર ગંગારામ અને જયપુર ગોલ્ડનમાં કુલ મળીને 45 દર્દીઓ ઓક્સીજનનો પુરવઠો સમયસર નહીં મળતાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે તો લોકલાગણીનો પડઘો પાડતી હોય તેમ બીજી તરફ ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ બની છે અને અભૂતપૂર્વ કહી શકાય એમ જાહેર કર્યું છે કે ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તેને અમે લટકાવી દઈશું..! કોર્ટ દ્વારા અગાઉ આવી કડક ટીપ્પણી વહીવટીતંત્ર સામે ભાગ્યે જ થઇ હશે.

દિલ્હીની એક હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય માટે કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. કોર્ટે દિલ્હી સરકારને કહ્યુ હતુ કે, અમને કહો કે કોણ ઓક્સિજનના સપ્લાયમાં વિઘ્ન ઉભુ કરી રહ્યુ છે…એ વ્યક્તિને અમે લટકાવી દઈશું. અમે કોઈને છોડવાના નથી. જો આવા કોઈ સ્થાનિક અધિકારીઓ હોય તો તે અંગે કેન્દ્રને પણ જાણ કરો.જેથી કેન્દ્ર તેની સામે કાર્યવાહી કરી શકે. હાઈકોર્ટે કદાચ અભૂતપૂર્વ કહી શકાય તેવી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે શનિવારે કહ્યુ હતુ કે, જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક તંત્રનો કોઈ અધિકારી ઓક્સિજન સપ્લાયમાં અડચણ ઉભી કરી હશે તો તેને અમે લટકાવી દઈશું.

ઓક્સિજનના કારણે દિલ્હીમાં હાહાકાર મચી ગયેલો છે. ઓક્સિજનની અછતના કારણે શુક્રવારે સાંજે દિલ્હીની વધુ એક હોસ્પિટલના 25 દર્દીઓ મોતને ભેટયા છે. ઓક્સિજન સપ્લાયની અછત હજી પણ યથાવત છે અને સેંકડો દર્દીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે

દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં જ 500 કરતા વધારે દર્દીઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. દિલ્હીની એક પછી એક હોસ્પિટલો ઓક્સિજન માટે સરકારની મદદ માંગી રહી છે. સરોજ હોસ્પિટલે નવા દર્દીઓ ભરતી બંધ કરી દીધી છે.કારણકે ઓક્સિજનની કમી છે.

 26 ,  1