Twitterને દિલ્હી હાઇકોર્ટની ફટકાર, ફરિયાદ અધિકારીની નિમણૂકને લઇને આપ્યો આ આદેશ

તમે તમારી મરજી પ્રમાણે સમય ન લઈ શકો-દિલ્હી હાઈકોર્ટ

નવા આઈટી કાયદાને લઈને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે અને કોર્ટે સોશિયલ નેટવર્કિંગ કંપનીને ખુબ ફટકાર લગાવી છે. આ દરમિયાન ટ્વિટરે સ્વીકાર્યું કે તેણે અત્યાર સુધી નવા આઈટી નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કર્યું નથી. 

દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નવા આઈટી નિયમો હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિયુક્તિ નહીં કરીને ટ્વિટર કાયદાની અવગણના કરી રહ્યું છે. 

સુનાવણી દરમિયાન જસ્ટિસ રેખા પલ્લીએ ટ્વિટરને ફટકાર લગાવતા કહ્યું કે ગ્રીવાન્સ અધિકારીની નિયુક્તિમાં કેટલો સમય લાગશે? જો ટ્વિટરને લાગતું હોય કે તે પોતાની મરજીથી જેટલો સમય લેવા માંગતું હોય તે લઈ શકે છે તો અમે એવું થવા નહીં દઈએ. 

જસ્ટિસ રેખા પલ્લીએ ટ્વિટરને પૂછ્યું કે જો 21 જૂન સુધીમાં ગ્રીવાંસ અધિકારીએ રાજીનામું આપી દીધુ તો બીજા અધિકારીની નિમણૂંક કેમ કરી નથી? ટ્વિટરે બીજા અધિકારીની નિમણૂંક કરવી જોઈતી હતી. કોર્ટે ટ્વિટરના વકીલને કહ્યું કે તમે ટ્વિટરને પૂછીને જણાવો કે ગ્રીવાંસ અધિકારી નિયુક્તિમાં કેટલો સમય લાગશે. 

આ અગાઉ કેન્દ્ર સરકારે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું હતું કે ટ્વિટર નવા આઈટી નિયમોના પાલનમાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્રએ કોર્ટમાં જણાવ્યું કે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને આઈટી નિયમોનું પાલન કરવા માટે 3 મહિનાનો સમય અપાયો હતો અને 26મી મેના રોજ ડેડલાઈન સમાપ્ત થવા છતાં ટ્વિટર તેનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. 

 42 ,  1