ઇલેક્ટ્રીક હાઇવે… રેલવેની જેમ હવા કો ચીરતે હુયે સનસનસનસન….

6 વાગે દિલ્હીથી સ્ટાર્ટ..સાંજે 6 વાગે મુંબઇ..વેરી સ્માર્ટ..!

ભારતમાં બનશે ઇલેક્ટ્રીક હાઇવે…માથે સળિયો ભરાવી દો…

ડિઝલ ભરાવવાની માથાકૂટી જ નહીં..

હાઇવે પર હોટેલ- હેલિપેડ-ટ્રોમા સેન્ટર-20 લાખ વૃક્ષો..

8 લેનવાળો એક્સપ્રેસ વે..મહિને 1200 કરોડની આવક…

અડે બાબા ફેસીલીટી ચાહિયે તો ખડચા તો કરના પડેગા ની..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમદાવાદ-મુંબઇ વચ્ચે ઇલેકટ્રીક ટ્રેન આપણે જોઇ છે. એન્જિનના માથે બે લોખંડની પટ્ટીઓ ઉપરની બાજુએ વીજળીના તાર સાથે જોડેલી હોય છે અને તેમાંથી મળતા વીજ પુરવઠાથી ટ્રેન હવાને ચીરીને સનસનસન….સડસડાટ….ઇલે. હોર્ન કહેતા પૂંગો વગાડીને મુંબઇની ખાડી પરથી પરથી પસાર થાય છે… અને વીજ પુરવઠો અટકી જાય તો ટ્રેન પણ સ્ટોપ… વળી પાછી વીજળી આવે એટલે ફરીથી..ગાડી બુલા રહી હૈ….

આવી વ્યવસ્થા નેશનલ હાઇવે પર હોય તો…? રેલવે લાઇનની જેમ હાઇવે પર ઠેર ઠેર થાંભલાઓમાંથી રોડની વચ્ચોવચ્ચ રેલવે એન્જિનની જેમ ટ્ર્કોના માથે લોખંડના બે સળિયા તાર સાથે જોડાયેલા હોય અને ડિઝલની ચિંતા કર્યા વગર ઇલે. ટ્રકો પંજાબી ગીતો વગાડતા વગાડતા હાઇવેની વચ્ચો વચ્ચ એક લાઇનમાં પસાર થઇ રહ્યાં એ દ્રશ્યો હવે દૂર નથી….

કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીને યુટ્યુબ દ્વારા મહિને 4 લાખની કમાણી થાય છે. હમણાં જ તેમણે એક વિડિયો અપલોડ કર્યો જેમાં તેઓ નવનિર્મિત એક હાઇવે પર 170ની સ્પીડમાં કાર દોડાવી રહ્યાં છે …અલબત તેઓ તો ચાલકની બાજુમાં છે અને ચાલકને પૂછતા જાય છે કેટલા પર પહોંચી….જેવો કાંટો 170 પર પહોંચ્યો એટલે કહ્યું કે- બસ…! આ વિડિયોની પણ કમાણી થઇ હશે અને કેન્દ્ર સરકારને મહિને 1200 કરોડ એટલે કે રોજના 40 કરોડની વક થાય એવો એક સરસ મજાનો ફોરેનની જેમ 8 લેન વાળો નેશનલ હાઇવે તેમના મંત્રાલય દ્વારા દિલ્હી-મુંબઇ માટે બની રહ્યો છે અને દિલ્હીથી મુંબઇ જવુ હોય એટલે ગુજરાત તો વચ્ચે આવે જ….

મુખ્યમંત્રી થયા પછી કે મંત્રી થયા પછી કાંઇ નક્કી નહીં ગમે ત્યારે ખુરસી જતી રહે એમ કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર દ્વારા આમંત્રિત એક સમારોહમાં નીતિન ગડકરીએ એક સપ્તાહ પહેલાં કેટલાક મુખ્યમંત્રીઓ બદલાયા ત્યારે હસતા હસતા સચ્ચાઇ બયાન કર દી..એ કાર્યક્રમ બાદ તેઓ ગુજરાત ભરૂચ આવ્યાં અને 8 લેનવાળા નેશનલ હાઇવે અંગે માહિતી શેર કરી.. તેમનો દાવો છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ સરકારને દર મહિને ટોલ તરીકે 1,000થી 1,500 કરોડ રૂપિયાની જંગી આવક થશે…. એટલે કે, આ એક્સપ્રેસ વેથી દર વર્ષે આશરે 12,000 કરોડ રૂપિયા સરકારના ખજાનામાં ટોલ ટેક્સ એટલે કે હાઇવેનો ઉપયોગ કરવા બદલ લોકોના ખિસ્સામાંથી આવશે. ઉનકા કહના હૈ કી યદી સુવિધા ચાહીયે ખર્ચા કરના પડેગા….! આ એક્સપ્રેસ વે 2023માં લોકસભાની ચૂંટણીઓ પહેલાં શરૂ થવાની ગણતરી છે.

દેશની રાજકિય અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની માયાનગરી મુંબઈને વાયા વિરમગામની જેમ વાયા ગુજરાત થઇને જોડતા આ એક્સપ્રેસ વેને વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ વે ગણાવવામાં આવી રહ્યો છે…8 લેનમાં કારમાં બેસીને દિલ્હી અને મુંબઈ વચ્ચે હાલના 24 કલાકને બદલે 12 કલાકમાં તો પહોંચી જવાશે. સવારના 6 વાગે દિલ્હીથી નિકળ્યા હોય અને દૂર કહીં જબ દિન ઢલ જાયે..એમ સાંજના 6 વાગતા વાગતા મુંબઇ પહોચી જવાશે…! 8 લેનવાળા આ નેશનલ હાઇવે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ આઠ લેન વાળો 1380 કિમી લાંબો એક પણ હાઇવે આખા વિશ્વમાં નથી..

આખા વિશ્વમાં નથી એવો આ હાઇવે પરથી કોઇ કાર કે ટ્રક લઇને દિલ્હીથી મુંબઇ કે મુંબઇથી દિલ્હી જવા નિકળે ત્યારે રાહ મેં ઉનસે મુલાકાત હો ગઇ…ની જેમ આ એક્સપ્રેસ વે પર 93 સ્થળોએ રસ્તાની બાજુમાં સરસ મજાની સુખસુવિધાઓ ઉપલબ્ધ હશે.. ભૂખ લાગી તો અમુક અંતરે આવેલી હોટેલ તરફ કાર વાળીને ભોજન આરોગો…એટીએમનો ઉપયોગ કરવો છે..? /લોજી એટીએમ હાજિર હૈ..

જંક ફૂડ માટે અને એક જોઇને બીજી ભૂલો એવી વાનગીઓથી ભરપૂર ફૂડ કોર્ટ હશે..,હાઇવે પર છૂટક દુકાનો હશે…, ફ્યુઅલ સ્ટેશન અને ઇલેક્ટ્રિક વાહનો માટે બેશક ચાર્જિંગ સ્ટેશન હશે પ્લગ ભરાવો અને જમી લો ત્યાં સુધીમાં કાર રિચાર્જ…! . દરેક 100 કિમીના અંતરે હેલિકોપ્ટર માટે હેલીપેડ અકસ્માત થયો હોય તો ઇમરજન્સીમાં હેલિકોપ્ટરનો ઉપયોગ થઇ શકશે… અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મેડિકલ ટ્રોમા સેન્ટર ધરાવતો આ દેશનો પ્રથમ એક્સપ્રેસ વે હશે.

હરિયાલી ઔર રાસ્તા…ની જેમ કલાઇમેટ ચેન્જના યુગમાં પર્યાવરણની સુરક્ષા માટે આ એક્સપ્રેસ વે પર ગ્રીન કવર હશે જેમાં 20 લાખ વૃક્ષો વાવવામાં આવશે…સમગ્ર એક્સપ્રેસ વે પર દર 500 મીટર પર વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા અને તે પાણીનો ઉપયોગ નજીકના ખેતરોમાં કે બાગ બગીચામાં ટપક સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે. દેશના અન્ય હાઇવે એક્સપ્રેસ વે સાથે જોડાયેલ હશે.

ગુજરાતમાં આ એક્સપ્રેસ વે પર નર્મદા નદી પર 8 લેનનો વિશાળ પુલ બનાવવામાં આવશે, જે દેશમાં આ પ્રકારનો પહેલવહેલો હશે. આ નેશનલ એક્સપ્રેસ હાઇવે દેશનો પ્રથમ એવો એક્સપ્રેસ વે હશે જેમાં જંગલી પ્રાણીઓ માટે વન્યજીવન કોરિડોર પણ હશે….એટલે રસ્તાની આસપાસ વન્ય પ્રાણીઓ પણ જોવા મળશે..જો કે તે હાઇવે પર ના આવે એવી વ્યવસ્થા કરાશે અને આવે તો એક સેલ્ફી તો બનતી હૈ…જિરાફ સાથેની સેલ્ફી માટે કારની ઉપર ઉભા રહેવુ પડશે…

એક્સપ્રેસ-વે પાછળ અંદાજિત કિંમત 98,000 કરોડ રૂપિયાનો ખર્ચ જોતા એક વર્ષમાં રૂ. 12,000 કરોડની આવક થાય તો લગભગ 8 વર્ષમાં પૈસે વસૂલ. ગડકરીનું કહેવું છે કે નેશનલ ઙાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટોલ આવક 5 વર્ષમાં વર્ષે દહાડે 1.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જે હાલમાં 40,000 કરોડ છે….40 હજાર કરોડથી દોઢ લાખ કરોડ…ખિસ્સા ભરેલા રાખજો…સુવિધા જોઇએ…હેમામાલિનીના ગાલ જેવા રસ્તા જોઇએ તો, અડે બાબા ખડચા તો કરના પડેગા ની…

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી