દિલ્હી Vs ચેન્નાઈ : પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન માટે ખરાખરીનો જંગ

IPL : બેંગ્લોરનો પંજાબ કિંગ્સને પછાડીને પ્લેઓફમાં પ્રવેશ

આજે સોમવારે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે. આઇપીએલના નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય થઈ ચૂકેલી બંને ટીમો વચ્ચે આજે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા માટે ખરાખરીનો જંગ જામશે. દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી મેચ શરૂ થશે.

નોંધનીય છે કે, પોઈન્ટ ટેબલમાં ધોની અને પંતની ટીમોના ૧૮-૧૮ પોઈન્ટ છે. ચેન્નાઈની ટીમ સારા રનરેટને કારણે ટોચ પર છે. જ્યારે દિલ્હીની ટીમ બીજા સ્થાને છે. ચેન્નાઈ તેનો દબદબો જાળવવાનો પ્રયાસ કરશે. જ્યારે દિલ્હી ગુમાવેલું ટોચનું સ્થાન હાંસલ કરવા પ્રયાસ કરશે.

રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ સામે ૬ રનથી રોમાંચક જીત સાથે બેંગ્લોરના પોઈન્ટ ટેબલમાં ૧૬ પોઈન્ટ્સ થઈ ગયા હતા અને તેઓએ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. ૧૬૫ના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબ છ વિકેટે ૧૫૮ રન કરી શક્યું હતુ. જેમાં અગ્રવાલના ૫૭ રન મુખ્ય હતા.

બેંગ્લોરના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. કોહલી અને પડિક્કલની જોડીએ ૫૮ બોલમાં ૬૮ રન જોડયા હતા. જોકે પંજાબે વળતો પ્રહાર કરતાં ઉપરાઉપરી ત્રણ વિકેટ ઝડપી હતી. મેક્સવેલે મેદાનમાં ઉતરીને બાજી સંભાળી હતી. તેણે ડી વિલિયર્સ સાથે મળીને ૩૯ બોલમાં ૭૧ રનની ભાગીદારી નોંધાવતા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. મેક્સવેલે ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૭ રન નોંધાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને હેનરિક્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

જવાબમાં રાહુલ અને અગ્રવાલની જોડીએ ૯૧ રનની ભાગીદારી કરી ત્યારે પંજાબની જીત આસાન લાગતી હતી. જોકે રાહુલ આઉટ થતાં બાજી પલ્ટાઈ હતી. અગ્રવાલે ૫૭ રન ફટકાર્યા હતા. જોકે તેને સામેના છેડેથી મદદ મળી નહતી. માર્કરામ ૨૦ અને શાહરુખ ખાન ૧૬ રને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ચહલે ૨૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી