દિલ્હીનું તૂટ્યું દિલ, નાટકીય ધબડકા બાદ કોલકાતા ફાઇનલમાં

હવે ચેન્નઈ સામે દશેરાના દિવસે ફાઈનલ ટક્કર

કોલકાતા નાઈટ રાઈડર્સે નાટકીય ધબડકા બાદ ભારે રોમાંચક બનેલી મેચમાં આખરે એક બોલ બાકી હતો, ત્યારે રાહુલ ત્રિપાઠીના વિજયી છગ્ગાને સહારે દિલ્હીને નાટયાત્મક રીતે ૩ વિકેટથી હરાવીને આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૩૬ના ટાર્ગેટ સામે કોલકાતાનો સ્કોર ૧૫.૫ ઓવરમાં ૧૨૩/૧ હતો, ત્યારે જીત આસાન લાગતી હતી. જોકે ત્યાર બાદ દિલ્હીએ કમબેક કરતાં કોલકાતાએ ૭ રનના ગાળામાં છ વિકેટ ગુમાવી હતી. આખરી ઓવરમાં કોલકાતાને જીતવા ૭ રનની જરુર હતી, ત્યારે અશ્વિનની બોલિંગમાં શરૂઆતના ૪ બોલ પર તેઓ ૧ રન લઈ શક્યા હતા અને બે વિકેટ ગુમાવી હતી. આખરી બે બોલ પર ૫ રનની જરુર હતી, ત્યારે ઓવરના પાંચમા બોલે ત્રિપાઠીએ છગ્ગો ફટકારતાં ટીમને જીત અપાવી હતી. હવે કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે તા. ૧૫મી ઓક્ટોબરે આઇપીએલની ફાઈનલ રમાશે.

અગાઉ ધવનના ૩૬ અને શ્રેયસ ઐયરના અણનમ ૩૦ રનની મદદથી દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઇપીએલની ક્વોલિફાયર-ટુમાં પાંચ વિકેટે ૧૩૫ રન કર્યા હતા. કોલકાતાની અસરકારક બોલિંગ અને ફિલ્ડિંગ સામે દિલ્હી સંઘર્ષ કરતું જોવા મળ્યું હતુ. વરૃણ ચક્રવર્થીએ બે વિકેટ ઝડપી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન મોર્ગને મહત્વનો ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. શૉ અને ધવનની જોડીએ દિલ્હીને આક્રમક શરૃઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ માત્ર ૩૨ રનની ભાગીદારી જ કરી શક્યા હતા. શૉ ૧૮ રને સ્પિનર ચક્રવર્થીનો શિકાર બન્યો હતો. દિલ્હીએ સ્ટોઈનિસને રન ગતિ વધારવા માટે વન ડાઉન ઉતાર્યો હતો. તેણે અને ધવને સ્કોરને આગળ ધપાવ્યો હતો અને ૪૪ બોલમાં ૩૯ રનની ભાગીદારી કરી હતી. કોલકાતાની અસરકારક બોલિંગ અને ફિલ્ડિંગની સામે દિલ્હીના બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા.

માવીએ સ્ટોઈનીસને ૧૮ રને ક્લિન બોલ્ડ કર્યો હતો. જે પછી ચક્રવર્થીની બોલિંગમાં ધવન ૩૬ રનના સ્કોર પર પેવેલિયનમાં પાછો ફર્યો હતો. પંત પણ માત્ર ૬ રને ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. જેના કારણે ૭૧/૧માંથી દિલ્હી ૯૦/૪ પર ફસડાયું હતુ.

શ્રેયસ ઐયર અને હેતમાયરે ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને ખાસ સફળતા મળી નહતી. હેતમાયર ૧૦ બોલમાં ૧૭ રને રનઆઉટ થયો હતો.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી