જૂની પેન્શન યોજના ફરી અમલમાં મૂકવા માંગ

પેન્શન ધારકોની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કરાયો ઠારાવ..

ગાંધી ચિંધ્યા માર્ગે પૂર્વક પેન્શન સત્યાગ્રહ શરૂ કરવાની લીધી પ્રતિજ્ઞા

નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ (NOPRUF) એ, કેન્દ્ર સરકાર ખાતે નોંધાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓનું સંગઠન છે. જેનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓના હિતો તેમજ નિવૃત્તિ બાદ તેઓની નાણાકીય સુરક્ષાની જાળવણી કરવા બંધારણીય રીતે જૂની પેન્શન સ્કીમને ફરીથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે લાગુ કરાવવાનો છે. જે માટે સંગઠન રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરી રહ્યું છે.

NOPRUF ના રાજ્ય કક્ષાના હોદ્દેદારોની બેઠકનું ૨જી ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું. બેઠકની અધ્યક્ષતા NOPRUF ના રાષ્ટ્રીય સલાહકાર અને ગુજરાત રાજ્યના પ્રભારી રાકેશ કંથારીયાએ કરેલ હતી. જેમાં અલગ અલગ સંગઠનોના હોદ્દેદારો અને સભ્યો પણ જોડાયા હતા. ઉક્ત બેઠકમાં NOPRUF ના સ્ટેટ જનરલ સેક્રેટરી આશિષ કુહાડીયા અને સ્ટેટ ચીફ કન્વીનર રવિન્દ્ર મહેતા NOPRUF ની કોર ટીમ તથા રાજ્ય કક્ષાના હોદ્દેદારો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલ હતા.

ઉક્ત બેઠકમાં ઉપસ્થિત તમામને પેન્શન સત્યાગ્રહી તરીકેના શપથ લેવડાવવામાં આવેલ હતા. જેમાં જુની પેન્શન યોજનાને લાગુ કરવા માટે બંધારણની મર્યાદામાં રહી ગાંધી ચિંધ્યા માર્ગે સત્યનિષ્ઠા પૂર્વક પેન્શન સત્યાગ્રહ શરૂ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી સમગ્ર દેશ તેમજ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી આ પેન્શન સત્યાગ્રહ ચાલુ રાખવા તેમજ જૂની પેન્શનથી વંચિત સરકારી કર્મચારીઓ/અધિકારીઓને આ બાબતે જાગૃત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ રીતે પેન્શન સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી.

NOPRUF ના ગુજરાત એકમના પ્રમુખ પંકજભાઈ પ્રજાપતિના જણાવ્યાનુસાર સરકારી કર્મચારીઓ માટે પેન્શન એ અતિ મહત્વનો મુદ્દો છે. પેન્શન એ વૃદ્ધાવસ્થાની લાકડી સમાન છે. આજે NOPRUF ના રાષ્ટ્રીય સલાહકાર અને ગુજરાત પ્રભારી દ્વારા ગાંધી જયંતિના રોજ પેન્શન સત્યાગ્રહ શરૂ કરાવવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્યના જિલ્લા તેમજ તાલુકા સ્તરે પ્રત્યેક NPS ધારક સુધી આ ચળવળને પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે. દરેક સરકારી કર્મચારી/અધિકારીને આ ચળવળ બાબતે જાગૃત કરવામાં આવશે અને આ ચળવળમાં જોડવામાં આવશે તેમજ સરકારશ્રીને NPS ના સ્થાને જૂની પેન્શન સ્કીને પુનઃ સ્થાપિત કરવા માટે રજૂઆત કરવામાં આવશે.

ગાંધીનગર ખાતેની બેઠક બાદ પેન્શન સત્યાગ્રહીઓ દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેની મુલાકાત લેવામાં આવી અને આશ્રમની નિશ્રામાં આ પેન્શન સત્યાગ્રહને ઝૂંબેશરૂપે વેગવંતી બનાવવાનું પ્રણ લેવામાં આવ્યું.

 286 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી