પૈસાની માંગણી કરી દિકરાએ પિતા અને સાવકી બહેનને ફટકારી

પિતાએ દિકરા સામે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

એક લાખ રૂપિયા માંગનાર દિકરાને પિતા પાસે પૈસા ન હોવાથી આપ્યા ન હતા. જેથી ઉશ્કેરાયેલો દિકરો અને સ્ટીલની કોઠીનું ઢાંકણા વડે પિતાને ઇજા પહોંચાડી હતી. આ સમયે પિતરાઇ બહેન વચ્ચે પડતા તેને પણ ફટકારી હતી. જેથી બન્નેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પિતાએ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના રખિયાલ વિસ્તારમાં 65 વર્ષિય રાજુભાઇ લલ્લુભાઇ સોલંકી પત્ની તથા સંતાનો સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. રાજુભાઇની પહેલી પત્ની સાત વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. જોકે, તેમનો દિકરો ગૌતમ ચાર વર્ષથી તેમની સાથે રહે છે અને ગૌતમે છુટાછેડા લઇ લીધા છે. ગૌમત આરટીઓ એજન્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગૌતમ અવાર નવાર પિતા પાસે પૈસા માગતો હતો. જેથી પિતાજીએ તેને એક લાખ રૂપિયા થોડા સમય પહેલાં આપ્યા હતા.

જો કે, ગૌતમ વધુ એક લાખ રૂપિયાની માંગણી કરતો અને ઝઘડો કરતો હતો. પરંતુ રાજુભાઇ પાસે પૈસા ન હોવાથી તેમણે પૈસા આપ્યા ન હતા. ગઇકાલે સાંજે રાજુભાઇ તેમની બીજી પત્ની અને તેમના સંતાનો સાથે ઘરમાં હતા. ત્યારે ગૌતમ આવ્યો હતો ગૌતમે એક લાખ રૂપિયાની માંગણી કરી અને ગાળો બોલવા લાગ્યો હતો. જો કે, રાજુભાઇએ જણાવ્યું હતું કે, મારી પાસે હાલ પૈસા નથી તને ક્યાંથી લાવીને આપું. જો કે, પિતાની આવી વાત સાંભળી ગૌતમ ગુસ્સે થઇ ગયો હતો અને ઘરમાં પડેલી સ્ટીલની કોઠીનું ઢાંકણુ લઇન પિતાના માથામાં મારી દીધુ હતુ. જથી તેમની બીજી પત્નીની દિકરી હિના વચ્ચે પડી હતી. તેણે પિતાને છોડાવવા પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ગૌતમે તેને પણ ઢાંકણુ મારતા લોહીલુહાણ થઇ ગઇ હતી. આ સમયે બુમાબુમ થતા લોકો ભેગા થઇ જતા ગૌતમ ત્યાંથી પલાયન થઇ ગયો હતો.

બીજી તરફ રાજુભાઇ અને દિકરી હિનાને લોહીલુહાણ હાલતમાં એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે રખિયાલ પોલીસને જાણ કરાતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ મામલે રાજુભાઇએ પોતાના દિકરા ગૌતમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર