ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં તોડફોડ : પોલીસ સુરક્ષાની માંગ

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં દર્દીએ નર્સ ઉપર હૂમલો કરતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. હૂમલો કરનાર દર્દીને રાત્રે તેના સંબંધી સારવાર અર્થે દાખલ કરી ગયા હતા. સારવાર અર્થે દાખલ દર્દીએ હોસ્પિટલના કાચ તોડી નર્સ તેમજ કર્મચારીઓ પર પણ હૂમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસને બોલાવવી પડી હતી.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં તાલુકાના રાધીવાડ ગામના ભવાનસિંહ સોલંકી ઉ.વ.27ને તેમના સંબંધી રાત્રિએ દવા પીધી હોવાનુ જણાવી સારવાર અર્થે દાખલ કરાયા હતા. ત્યારે આજરોજ સવારે નર્સ વસંતીબેન ડાભી સાથે કોઈ બાબતે રકઝક કરી હૂમલો કરતા હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી.

દર્દીના હૂમલા અંગે ભયમાં આવી ગયેલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે દર્દી દ્વારા રાત્રિના સમયે ઈમરજન્સી સારવારમાં ફરજ બજાવી રહેલ ર્ડા.બી.ડી.ગઢવી સાથે પણ માથાકૂટ કરી હતી. તેમજ દર્દીના હૂમલા અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં સુરક્ષા પુરી પાડવા માટે એસ.પી. ચૈતન્ય માંડલીકને રજૂઆત કરવામાં આવી હતી. દર્દીઓના હૂમલા તેમજ સિવિલની સુરક્ષા જળવાઈ રહે તે માટે તા.24-4-2019ના એક પત્ર લખ્યો હતો. જેમાં હોમગાર્ડ જવાનો પુરા પાડી સુરક્ષા આપવા એસ.પી.ને જાણ કરાઈ હતી. પરંતુ આજદિન સુધી સુરક્ષાની માંગ પુરી થઈ નથી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી