ઊંચા રિટર્ન્સની લાલચમાં નહિ ફસાતા : શક્તિકાંત દાસ

રૂપિયાનું રોકાણ કરતા થાપણદારોને ચેતાવ્યા

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ડિપોઝિટર્સ (થાપણદારો-ખાતાધારકો)એ પોતાના નાણાંના વધુ ઊંચા વળતર (રિટર્ન્સ)ની લાલચમાં ફસાવું ન જોઈએ. ઊંચા વળતરની સાથે મોટું જોખમ સંકળાયેલું હોય છે એમ જણાવી તેમણે લોકોને વધુ વળતર મેળવવાની લાલચમાં ન ફસાવા અને સાવધ રહેવા જણાવ્યું હતું. બૅન્ક વધુ વ્યાજ-વળતર આપી રહી છે એ જોઈને-જાણીને થાપણદારોએ ત્યાં રૂપિયાનું રોકાણ કરતા અગાઉ વધુ સાવધ થઈ જવું જોઈએ.

સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે જ્યાં ઊંચો વ્યાજદર કે વળતર મળતા હોય ત્યાં જોખમનું પ્રમાણ પણ ખૂબ જ ઊંચું રહે છે. જોકે, એવી અનેક સંસ્થાઓ હોય છે જ્યાં રોકાણનું ઊંચું વળતર આપવામાં આવે છે અને છતાં તે સલામત હોય છે. આમછતાં રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. બૅન્ક સાથે સંકળાયેલ બૅન્કનું મેનેજમેન્ટ, બૅન્કનું બૉર્ડ, બૅન્કની જુદી જુદી કમિટી, ઑડિટ કમિટી, રિસ્ક મેનેજમેન્ટ કમિટી કે અન્ય કોઈપણ નિયામક કમિટીની આ સંયુક્ત જવાબદારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

બૅન્કિંગ વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા નિયામકોની માર્ગદર્શિકા વધુ કડક બનાવવા આરબીઆઈ દ્વારા વ્યૂહ ઘડવામાં આવી રહ્યો છે જેથી કરીને બૅન્કોની કામગીરી લવચીક રહે અને તે સરળતાપૂર્વક ચાલી શકે, એમ તેમણે કહ્યું હતું. ડિપોઝિટના વીમાની રકમની ચુકવણીને છેલ્લો સ્રોત કે વિકલ્પ ગણવા પર તેમણે ભાર મૂક્યો હતો. તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નાણાંવિષયક નીતિ સમયે કરેલા નિવેદનને યાદ કરતા દાસે કહ્યું હતું કે કોરોનાની મહામારી દરમિયાન દેશે એકજૂટ રહીને કામ કરવાની વૃત્તિનું પ્રદર્શન કર્યું હતું અને હવે એ સમય આવી ગયો છે જ્યારે ભારત વૈશ્ર્વિક અર્થતંત્રના વિકાસદરનો ડ્રાઈવર બની શકે છે.. બૅન્કિંગ સિસ્ટમમાં કામ કરતા તમામ લોકો એકજૂટ થઈને કામ કરશે તો એ શક્ય બનશે, એમ તેમણે કહ્યું હતું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી